પાંચ વર્ષમાં ફાળવેલા રૂા. 176 કરોડની ગ્રાન્ટમાંથી 25% ગ્રાન્ટ ધારાસભ્યોએ હજુ વાપરી નથી અને હવે આ ગ્રાન્ટ લેપ્સ જશે.
ગરવી તાકાત, મહેસાણા તા. 03
ગુજરાતમાં ધારાસભ્યો માટે દર વર્ષે રૂા. બે કરોડથી વધુના સ્વવિવેક આધારિત ભંડોળ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટની રકમ આપવામાં આવે છે જેમાંથી રાજ્યની 14મી ધારાસભા હવે થોડા જ દિવસમાં તેનો કાર્યકાળ પુરો કરશે તે સમયે ધારાસભ્ય સ્થાનિક વિકાસ ગ્રાન્ટના રૂા. 272 કરોડની રકમ વપરાયા વગરની પડી રહી છે.
મળતા આંકડા મુજબ પાંચ વર્ષમાં ફાળવેલા રૂા. 176 કરોડની ગ્રાન્ટમાંથી 25% ગ્રાન્ટ ધારાસભ્યોએ હજુ વાપરી નથી અને હવે આ ગ્રાન્ટ લેપ્સ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી ચૂંટણી લડી રહ્યા છે તેમના ઘાટલોડિયા મત વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં જે ગ્રાન્ટ વાપરવા યોગ્ય હોય તેમાં 27 ટકા રકમનો તેનો ઉપયોગ કર્યો નથી જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કે જેઓ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય છે અને હવે તેઓ ચૂંટણી લડી રહ્યા નથી તેઓ પોતાના મત વિસ્તાર માટે ફાળવાયેલી ગ્રાન્ટની 42 ટકા રકમ ખર્ચી શક્યા નથી. 
ખાસ કરીને તેઓ મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા બાદ તેમના મત વિસ્તારમાં એક પણ રુપિયાનો ખર્ચ થઇ શક્યો ન હતો અને તેમના સમયગાળાના 22 કામો હજુ શરુ કરવાના જ બાકી છે. વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તારમાં થોડુ સારુ કામ કર્યું છે. સૌથી વધુ સક્રિય શ્રી સુખરામ રાઠવા રહ્યા છે જેમણે પોતાના ધારાસભ્યોના વિકાસ ભંડોળમાં 91% રકમ ખર્ચી છે અને હાલ 8.31 ટકા રકમ જ તેઓએ ખર્ચ કરવાની બાકી છે. જ્યારે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમના મત વિસ્તારમાં લગભગ 70% થી વધુ ગ્રાન્ટ વાપરી શક્યતા છે. એક તરફ ધારાસભ્યો અવારનવાર ફરિયાદ રકતા હોય કે તેમના મત વિસ્તારમાં પૂરતા ભંડોળની ફાળવણી થતી નથી આથી જ રાજ્ય સરકાર દ્વારા વારંવાર ધારાસભ્યોના મત વિસ્તાર માટે ખાસ ગ્રાન્ટ પણ ફાળવતા હોય છે પરંતુ મોટાભાગના ધારાસભ્યો આ રકમ વાપરવામાં આળસ કરતા હોય છે.
કોરોના પૂર્વે આ રકમમાં ઉપયોગમાં 85 થી 98%નો રેશિયો રહ્યો હતો જે 2022માં અત્યાર સુધીમાં 64%નો રેશિયો રહ્યો છે. ધારાસભ્યો દ્વારા જે ગ્રાન્ટમાં કામ સૂચવવામાં આવે છે તેમાં સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા જે તે કામની ફાળવણી કરવામાં આવી છે અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તે રકમની ફાળવણી થઇ હોવાથી તેનો ઉપયોગ પણ ઝડપથી થાય છે.


