– સગીરાઓના માતા પિતાને બાળલગ્ન કાયદાની સમજ આપતા લગ્ન મોકુફ રખાયા
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ પંથકના એક ગામમાં બે સગીર દીકરીઓના બાળ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના પગલે ૧૮૧ની ટીમ પોલીસ પ્રોટેક્શન દ્રારા આ ગામમાં પહોંચી બાળલગ્નનું આયોજન કરનાર પરિવારને બાળ લગ્ન કાયદા અંગે સમજ આપી બાળલગ્ન થતા અટકાવ્યા હતા.
હાલ લગ્નસરાની મોસમ વચ્ચે ગઢ પંથકના એક ગામમાં એક પંદર અને સત્તર વર્ષની સગીર દીકરીઓના બાળ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની માહિતીના આધારે બનાસકાંઠા ૧૮૧ અભયમના કાઉન્સેલર જીનલબેન પરમાર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જોષી,મહિલા પોલીસ શિલ્પાબેનએ પોલીસ પ્રોટેક્શન સાથે જ્યા બાળ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યાં પહોંચી જઈ આ પરિવારને તેમની બન્ને દીકરીઓના બાળ લગ્ન નહીં કરવા સમજાવવામાં આવતા તેમના માતા-પિતા સહમત થયા હતા.જેને લઈ તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને તે અંતર્ગત સજાની જોગવાઈઓની પણ માહિતી આપવામાં આવી હતી.જોકે તાજેતરમાં પાલનપુર તાલુકાના સૂંઢા ગામે ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેને લઈ આ બાળલગ્નની કાર્યાવહીના ૧૮૧ અભયમ ટીમે સ્થાનિક ગઢ પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર