લીંચ ગામના બે મિત્રો આંબલિયાસણથી પરત આવતાં કરુણ અકસ્માત સર્જાયો
એસ.ટી ટક્કરે કિશોરનું ઘટના સ્થળે મોત, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – મહેસાણા તાલુકાના લીંચ ગામના બે મિત્રો આંબલિયાસણ જઇ પરત આવી રહ્યા હતા તે દરમિયાન એસ.ટીના ચાલકે બાઇક પર સવાર મિત્રોને ટક્કર મારતાં એકનું ઘટના સ્થળે મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. 
અકસ્માતોની વણથંભી વણઝારમાં વધુ એક અકસ્માતના બનાવમાં લીંચ ગામના 17 વર્ષીય કિશોરનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહેસાણા તાલુકાના લીંચ ગામે રહેતો 17 વર્ષીય કિશોર વિજય ઠાકોર પોતાના જીજાજીનું મોટર સાયકલ લઇને અન્ય એક મિત્ર સાથે આંબલિયાસણ ગામે કામ હોવાથી ગયો હતો જ્યાંથી બંન્ને મિત્રો કિશોર ઠાકોર અને તેનો મિત્ર આંબલિયાસણ ગામેથી પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન ગેરતપુર ભાકડીયા રોડ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી એસ.ટી બસના ચાલકે બાઇક પર સવાર બંન્ને મિત્રોને જોરદાર ટક્કર મારતાં બંન્ને નીચે પટકાયાં હતા જેમાં લીંચ ગામના 17 વર્ષીય કિશોરનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં સ્વજનો ઘટના સ્થળ પર દોડી આવી કાળો કલ્પાંત મચાવ્યોં હતો. જો કે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડયા હતા. જ્યારે અકસ્માત સર્જી મોત નિપજાવનાર એસ.ટી બસના ચાલક વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


