સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત થયા
ગરવી તાકાત, ગાંંધીનગર તા. 24 – રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગુરૂવારે 16 લોકોના મોત નિપજ્યા છે. ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 23 લોકોના મોત થયા છે.
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે. વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 5ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 23 પર પહોંચ્યો છે.
ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 5ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. સુરતમાં આકરી ગરમીના કારણે ઢળી પડતાં વધુ 9નાં મોત નિપજ્યા છે. ગરમીના કારણે લૂ, ડીહાઇડ્રેશન તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 1 દર્દી લૂને પગલે સારવાર હેઠળ છે.


