મહેસાણા એલસીબીની ટીમે દીતાસણ પાસે શરાબ ભરેલી કાર સાથે બે શખ્સોને 4.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
રાજસ્થાનના બે શખ્સો વિદેશી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઇ રહ્યા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 14- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા અમદાવાદ હાઇવે દીતાસણ સર્કલ પાસેથી વિદેશી શરાબનો જથ્થો ભરીને પાંથાવાડાથી અમદાવાદ તરફ જતી કારને અટકાવી તેમાંથી 4.56 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થતાં વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબીના પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. જયેશકુમાર, જસ્મીનકુમાર, જયસિંહ સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન જસ્મીનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે સ્વીફ્ટ ડીઝાયર કાર નં. જીજે.02-બીપી-1487નો ચાલક પાંથાવાડાથી કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઇ રહ્યો છે.
જે બાતમી મળતાં મહેસાણા એલસીબીનો સ્ટાફ દીતાસણ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્ત નંબરવાળી કાર આવતાં પોલીસે કારને અટકાવી તેમાં તપાસ કરતાં કારમાંથી 1,46,340 કિંમતની વિદેશી શરાબની બોટલ તથા કાર સહિત કુલ રુપિયા 4,56,770ના મુદ્દામાલ સાથે હંજારીરામ ગોમારામ ભીલ રહે. કમાલપુર તા. સાંચોર તથા નરેશકુમાર સરદારરામ પુરોહિત રહે. દાંતીવાસ, તા. ભીનમાલ, જીલ્લો જાલોરવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


