વડનગરમાં શ્રાવણોત્સવ અંતર્ગત ‘શ્રાવણ મંગળ આરંભ’ કાર્યક્રમ: શર્મિષ્ઠા તળાવના કાંઠે સંસ્કૃતિ, સંગીત અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો
પર્યાવરણમૈત્રી પ્રવાસન તરફ વડનગરનું ડગ: શ્રાવણોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે ૩ ઈ-રિક્ષાઓનું હસ્તાંતરણ કરાયું
આધ્યાત્મિકતા અને સસ્ટેનેબિલિટીના સમન્વય સાથે વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો ‘શ્રાવણ મંગળ આરંભ’ કાર્યક્રમ સંપન્ન
વડનગર: ગરવી તાકાત 17-8-2026

વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત ઐતિહાસિક નગરી વડનગરના શર્મિષ્ઠા તળાવના કાંઠે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત શ્રાવણ માસના પ્રથમ રવિવારે ‘શ્રાવણ મંગળ આરંભ’ કાર્યક્રમનો અત્યંત ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તેમજ વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને શ્રાવણ માસની પવિત્રતાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ વર્ષનો શ્રાવણોત્સવ માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સસ્ટેનેબલ ટુરિઝમની દિશામાં પણ એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયો છે. કાર્યક્રમમાં ટીવીએસ (TVS) કંપની દ્વારા તેની સીએસઆર (CSR) પ્રવૃત્તિના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમને ૩ ઈ-રિક્ષાઓ અર્પણ કરવામાં આવી હતી. ટીવીએસની ટીમ દ્વારા આ ઈ-રિક્ષાઓની પ્રતીકાત્મક ચાવી ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ચૌધરીને સુપ્રત કરવામાં આવી હતી. આ ઈ-રિક્ષાઓ આગામી સમયમાં વડનગર આવતા પ્રવાસીઓ માટે સ્થાનિક પરિવહનની સુવિધા પૂરી પાડશે, જેનાથી પ્રદૂષણ મુક્ત પ્રવાસન વ્યવસ્થાને વેગ મળશે.

રાજ્ય સરકારના પ્રવાસન પ્રત્યેના વિસ્તૃત અને આધુનિક અભિગમ હેઠળ વડનગરને એક ઇકો-ફ્રેન્ડલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની નેમ રાખવામાં આવી છે. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રવાસન અને ટીવીએસના સહયોગથી શરૂ કરાયેલી આ ઈ-રિક્ષા સેવા પ્રવાસીઓને સુવિધાજનક અને પર્યાવરણમૈત્રી અનુભવ આપશે. એક તરફ જ્યાં વડનગરની આધ્યાત્મિક અને ઐતિહાસિક ઓળખને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ આધુનિક ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટીનો સમન્વય કરીને પ્રવાસીઓની સુખ-સુવિધાઓમાં વધારો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
શ્રાવણોત્સવ અંતર્ગત આગામી સપ્તાહોમાં પણ વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે, જે વડનગરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને મંત્રમુગ્ધ કરશે. આ આયોજન મુજબ ૨૩ ઓગસ્ટના રોજ સંગીત સાધના, ૩૦ ઓગસ્ટના રોજ ધ્યાન અને ભક્તિનો વિશેષ કાર્યક્રમ તથા ૬ સપ્ટેમ્બરના રોજ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજવામાં આવશે. આ સમગ્ર મહોત્સવ દ્વારા વડનગરના વિશિષ્ટ વારસાને આસ્થા અને આધુનિક સુવિધાઓ સાથે જોડીને પ્રવાસીઓને એક અવિસ્મરણીય અનુભૂતિ કરાવવાનો રાજ્ય સરકારનો નમ્ર પ્રયાસ છે.
આ કાર્યક્રમમાં વડનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલાજી ઠાકોર, મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ રાજપુત, વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


