મહેસાણા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે થશે ધ્વજારોહણ
ગરવી તાકાત ઃ મહેસાણા
તા.14-8-2026
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ખેરાલુ સ્થિત ધી કે.એન.એસ.બી.એલ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવાનું સુચારુ આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ ગૌરવવંતા સમારોહમાં સવારે ૯:૦૦ કલાકે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના હસ્તે ધ્વજારોહણ સંપન્ન થશે. પોલીસ બેન્ડની દેશભક્તિની સૂરાવલીઓ વચ્ચે તિરંગાને સલામી અર્પણ કર્યા બાદ પ્રભારી મંત્રી પ્રજાજોગ ઉદબોધન કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરશે.

રાષ્ટ્રપર્વની આ વિશેષ ઉજવણી દરમિયાન જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે પ્રભારી મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. આ સાથે જ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ વિશિષ્ટ નાગરિકોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાશે. મુખ્ય સમારોહ સંપન્ન થયા બાદ વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા નયનરમ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આ રાષ્ટ્રીય મહોત્સવમાં ઉત્સાહભેર સહભાગી થવા માટે જિલ્લાવાસીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


