વડનગર: ગરવી તાકાત 17-8-2026
ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર સમાન વડનગર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર અને રાજ્ય શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત ભવ્ય ‘મૃત્યુંજય સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પવિત્રતા અને દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવના મહાત્મ્યને ઉજાગર કરવાના શુભ આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ઝોનમાંથી આવેલા ૧૦૮ જેટલા પ્રતિભાશાળી ઋષિકુમારો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઋષિકુમારોના મુખેથી વહેતા વૈદિક મંત્રોચ્ચાર, શુક્લ યજુર્વેદ સંહિતા અને શિવ મહિમ્ન સ્તોત્રના સુમધુર ગાનથી મંદિરનું સમગ્ર પ્રાંગણ અદભુત આધ્યાત્મિક તરંગો સાથે ગુંજી ઊઠ્યું હતું અને વાતાવરણ પૂર્ણપણે શિવમય બની ગયું હતું.
આ ગૌરવશાળી અવસરે ઉપસ્થિત ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના જન્મસ્થળ એવા વડનગરની પ્રાચીન, સાંસ્કૃતિક અને ગૌરવશાળી આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ શ્રાવણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની વિસ્તૃત વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે, શ્રાવણ મહિનાના પ્રારંભે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ભવ્ય ડમરુ યાત્રા સાથે આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં વડનગરમાં દરરોજ સવારે ૭:૦૦ કલાકે ડમરુ યાત્રા નીકળીને હાટકેશ્વર મંદિર પહોંચે છે, જ્યારે દર રવિવારે સાંજે ૬:૩૦ કલાકે શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે શિવાષ્ટક અને આકર્ષક લાઈટિંગ શો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યા છે. તેમણે તમામ નાગરિકોને સપરિવાર આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ લેવા ભાવભરી અપીલ કરી હતી.
સમગ્ર સ્પર્ધાની રૂપરેખા આપતા કમિશનર શાળાઓની કચેરીના નાયબ નિયામક શ્રી કિશનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં શુક્લ યજુર્વેદ સંહિતા અને શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કરવાના વિષય અંતર્ગત રાજ્યભરમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ ૧૦૮ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. અગાઉ ગત ૧૩ ઓગસ્ટના રોજ વડનગરની માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ વચ્ચે ચાર ઝોનમાં શાળાકીય સ્પર્ધાઓ યોજાઈ હતી, જેના અનુસંધાને આજે ઝોન-૧ અને ઝોન-૨ ના વિદ્યાર્થીઓ વચ્ચે મહા મૃત્યુંજય સ્પર્ધા યોજાઈ હતી. આ સમગ્ર સ્પર્ધા કુલ ચાર તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં ૧૭ ઓગસ્ટના પ્રથમ ચરણ બાદ આગામી ૨૪ ઓગસ્ટે આગળની સ્પર્ધાઓ યોજાશે તેમજ ૩૧ ઓગસ્ટે સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલો યોજાશે. આ દિવ્ય મહોત્સવનું સફળ સમાપન આગામી ૭ સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ સોમવારે વિજેતા સ્પર્ધકોના ભવ્ય સન્માન સમારોહ સાથે કરવામાં આવશે.
આ પ્રકારની વૈદિક મંત્ર જાપ અને સ્તોત્રગાન સ્પર્ધાઓ થકી નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને દેવવાણી સંસ્કૃત ભાષા પ્રત્યે ઊંડી અભિરુચિ કેળવાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ભક્તિસભર કાર્યક્રમમાં વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એન. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદી, સંસ્કૃત મહાવિદ્યાલયના ડૉ. અમૃતલાલ ભોગાયતા, ડૉ. મનોજગીરીજી મહારાજ, ડૉ. હરેશચંદ્ર કે. ભટ્ટ, ડૉ. રઘુભાઈ જોશી, શ્રી ગોવિંદભાઈ એમ. પટેલ સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, વિદ્વાનો, ઋષિકુમારો, શિક્ષકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


