— પાંચ મહિલા સહિત દસ સામે ફરિયાદ
— યુવક અને યુવતીને રોકીને પાંચ મહિલા સહિતેના શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો
ગરવી તાકાત ઇડર: ઇડરના બોલુન્દ્રા (રૂવચ) ગામની સીમમાંથી ગુરૂવારે બપોરે એક્ટિવા પર પસાર થતા યુવક- યુવતીને માર મારી, યુવકને ગેરકાયદેસર રીતે ઝાડ સાથે બાંધી દેવાને મામલે પાંચ મહિલાઓ સહિત ૧૦ જણ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ ફરિયાદ બાદ જાદર પોલીસે તમામ ૧૦ જણાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બાબતે હિંમતનગર ખાતે રહેતા ભૂમિકાબેન રૂપાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સાથેના યુવક યોગેશભાઈના બોલુન્દ્રા ગામની લતાબેન સાથે ત્રણેક માસ અગાઉ છૂટાછેડા થયા હતા. આ મામલે લતાબેનની છેલ્લી ઇચ્છા જાણવા યુવક અને યુવતી તેઓ ઇડર ખાતે જે ક્લાસીસમાં જતા હતા ત્યાં ગયા હતા. અહીં યુવકે લતાબેનને બોલાવ્યા તેની જાણ તેઓના ઘરવાળાને થઈ ગઈ હતી.
જેને કારણે યુવક- યુવતી એક્ટીવા પર બોલુન્દ્રા પાસેથી પસાર થઈ રહ્યા હતા તેવામાં પાંચ મહિલા સહિત ૧૦ જણે આવી એક્ટિવા રોકી ચાવી કાઢી લીધી હતી. બાદમાં યુવતિને લીમડાની લાકડીથી જમણા હાથના કાંડાના ભાગે માર મારી યુવક યુવતિ બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં યુવતિનો સોનાનો દોરો તથા વીંટી ક્યાંક પડી ગયા હતા. બાદમાં તમામે મળી યુવક- યુવતીને તેમના ઘરે લઈ જઈ યુવકને રસ્સી વડે ઝાડ સાથે બાંધી દીધો હતો તથા યુવતિને ત્યાં બેસાડી દઈ ગેરકાયદેસર અટકાયત કરી હતી.
ઉપરોક્ત આક્ષેપો સાથેની યુવતિની ફરિયાદ બાદ જાદર પોલીસે પાંચ મહિલા સહિત ૧૦ જણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.