પોલીસ તંત્રમાં માત્ર 50% ભરતી મામલે સરકારને ઝાટકતી હાઈકોર્ટ
ગરવી તાકાત, અમદાવાદ,તા.19 – પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ પર ભરતીના કેસમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજય સરકારના ગૃહવિભાગના આ પિટીશન પ્રત્યેના વલણની આકરી ટીકા કરી રાજય સરકાર, ગૃહવિભાગના સચીવ સહિતના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, ‘અમે સમજી શકતા નથી કે જયારે સરકાર જાહેર નાણાનો ભરતીની પ્રક્રિયા માટે ઉપયોગ કરી જ રહી છે, તો શા માટે પોલીસ વિભાગમાં 100માંથી માત્ર 50% પોસ્ટ પર જ ભરતી કરી રહી છે?

એ પણ બેરોજગારીના આ યુગમાં ખાલી તમામ પોસ્ટની સામે અડધી પોસ્ટ જ શા માટે ભરવામાં આવી રહી છે? શા માટે પોલીસ કર્મચારીઓ કે જે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સૌથી જરૂરી ફોર્સ છે, તેની અડધો અડધ પોસ્ટ ખાલી રાખીને જાહેર નાગરિકો કે જેમને ભયમુક્ત જીવન જીવવાનો અધિકાર છે, એમને સરકારી અધિકારીઓની દયા પર જીવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટે આ મામલે સરકારના ગૃહવિભાગના સચિવને સ્પષ્ટ સોગંદનામું કરવા અને તમામ ખાલી પોસ્ટ પર ભરતી કરવાનો આદેશ કર્યો છે અને એવી ચેતવણી પણ આપી છે કે એક વર્ષથી ભરતીના નામે ગૃહવિભાગ ગલ્લાંતલ્લાં કરી રહ્યું છે અને હાઈકોર્ટના આદેશોને પણ ગંભીરતાથી લેતું નથી તો હવે તેમની સામે કન્ટેમ્પ્ટની નોટિસ કાઢતાં હાઈકોર્ટ પણ ખચકાશે નહીં.
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અત્યંત મર્મસ્પર્શી અવલોકન કર્યુ હતું કે, ‘અમે સમજી શકતા નથી કે જયારે મોટા પ્રમાણમાં જાહેર નાણાંનો ખર્ચ કરીને ભરતીની પ્રક્રિયા કરી રહી હોય અને હાલના સમયમાં જયારે પોલીસ કોન્સ્ટેબલ, ઈન્સ્પેકટરની અનેક પોસ્ટ ખાલી હોય ત્યારે માત્ર 5 ટકા ભરતી કરીને સરકારને શું મળશે?
એ પણ જયારે એક વર્ષથી આ તમામ જગ્યાઓ ખાલી હોય. અમને આ બાબતે સખત વાંધો છે જે રીતે રાજય સરકારનું ગૃહવિભાગ આ કેસમાં વર્તી રહ્યું છે.
પોલીસ વિભાગની ભરતી સીધી રીતે સામાન્ય વ્યક્તિના જીવનને અસર કરતી હોય છે. આ સામાન્ય લોકો હાલ ગૃહવિભાગના અધિકારીઓની જાણે દયા પર હોય એવો ઘાટ સર્જાયો છે.
જેઓ હાલ હાઈકોર્ટની ચિંતા પણ સાંભળવા માંગતા નથી. આ સરકારનું દુર્ભાગ્યપૂર્ણ ચિત્ર અમારી સમક્ષ રજુ કરી રહ્યું છે. જો કે હાલ અમે વધુ અવલોકન કરવા કરતાં સરકારને છેલ્લી તક આપીએ છીએ અને ઉપર મુજબ નોંધાયેલી તમામ પોસ્ટ પરની ભરતી કરવાનો આદેશ કરીએ છીએ.’
હાઈકોર્ટે હવે સરકારને છેલ્લી તક આપી છે અને 26મી જુલાઈના રોજ બપોરે એક વાગ્યે કેસની સુનાવણી રાખી છે તથા ગૃહવિભાગના સચીવનું વિસ્તૃત સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે કમિશનના ગઠનનો વિગતો પણ યોગ્ય રીતે રજુ કરવામાં આવી નથી. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ગઠન પહેલા ડીજીપીને બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક કરી દેવામાં આવ્યા છે. આશ્ર્ચર્યજનક છે કે બોર્ડ બન્યું જ નથી અને ચેરમેન બની ગયા છે…!
હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, બેરોજગારીના યુગમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની પ્રક્રિયા અડધી-અડધી કેમ કરવામાં આવી રહી છે. સમગ્ર તંત્ર અને જાહેર નાણાં એક ભરતીની પ્રક્રિયામાં લાગી રહ્યા છે અને અડધી ભરતી જ કરી રહ્યા છો અને એ પણ લાંબા ગાળા બાદ અને એ પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભરતી કરી રહ્યા છે. જો આ જ પરીસ્થિતિ હોય તો અમે કન્ટેમ્ટની નોટિસ પાઠવીશું. કેમ કે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થઈ રહ્યો નથી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, અમે એક વર્ષથી આદેશો કરી રહ્યા છીએ. તમે કોર્ટના ધીરજની પરીક્ષા લઈ રહ્યા છો. દરેક મુદતે આવું જ થઈ રહ્યું છે. જો તમારા અધિકારીઓ પુરતા ડેટા આપી શકતા નથી તો અમે તેમની સામે આદેશ કરીશું.
અમને તમને પોલીસ વિભાગમાં ભરતીનો મુદો ઉઠાવી રહ્યા છીએ અને એક વર્ષથી સરકારી વકીલની ઓફિસને પુરતા ડેટા કેમ આપવામાં આવતા નથી. અમે તમને છેલ્લી તક આપીએ છીએ, એના પછી આકરી કાર્યવાહી કરીશું.


