ગત વર્ષનું બજેટ મુખ્યમંત્રીની ફાઈલમાં કઈ રીતે પહોંચી ગયું : કોઈ અધિકારીએ મોટી રમત કરી હોવાનો સંકેત: ગૃહ અડધી કલાક માટે મુલત્વી
કોંગ્રેસની હાંસી ઉડાવતાં ભાજપે શરમ કરો શરમ કરો ના નારા લગાવ્યા
જયપુર તા.10 : રાજસ્થાન વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અશોક ગેહલોટે જબરો ભાંગરો વાટ્યોં હતો. આજે વિધાનસભામાં બજેટ રજુ કરતા પહેલા તેઓએ ભુલથી ગત વર્ષનું બજેટ વાંચવાનું શરુ કરતા તેમની નજીક બેઠેલા રાજયના મંત્રી મહેશ જોષી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જો કે અશોક ગેહલોટને ખ્યાલ ન હતો કે તેઓ ગત વર્ષનું બજેટ વાંચી રહ્યા છે અને તુર્ત જ મંત્રી જોષીએ તેમને રોકયા હતા અને બાદમાં તુર્ત જ બજેટ વાંચન રોકી દેવાયુ હતું. ગૃહમાં જુના બજેટના ત્રણ-ચાર પેરેગ્રાફ વાંચ્યા પછી સાથી મંત્રીને ખ્યાલ આવતા તુર્તજ ગેહલોટને બજેટ રજુ કરતા અટકાવ્યા. 
જો કે આ દરમ્યાન અશોક ગેહલોટે ત્રણ થી ચાર ફકરા તો વાંચી પણ નાંખ્યા હતા અને તેઓએ આ ભુલ બદલ ગૃહની માફી માંગી લીધી હતી. રાજયમાં નાણાવિભાગનો હવાલો પણ સંભાળતા મુખ્યમંત્રી અશોક ગેહલોટ માટે અને રાજયની કોંગ્રેસ સરકાર માટે આ એક સૌથી મોટી સંકોચની ઘડી આવી ગઈ હતી. રાજયમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને તે પુર્વે આ છેલ્લુ બજેટ છે તેથી તેમાં મુખ્યમંત્રી દ્વારા અનેક મહત્વની જાહેરાતો થવાની હતી પરંતુ તેમના જ આ ભાંગરાને કારણે બજેટના જાહેરાતની ઉતેજના હતી તે શમી ગઈ હતી.
અને તેના સ્થાને વિધાનસભામાં જબરી ધમાલ મચી ગઈ હતી અને વિપક્ષ ભાજપે ગૃહમાં સૂત્રોચ્ચાર ચાલુ કરી દેતા બજેટ બેઠક થોડી મીનીટ મુલત્વી રાખવી પડી હતી. અશોક ગેહલોટ પાસે આ જુના બજેટના કાગળો કઈ રીતે આવી ગયા તે પણ પ્રશ્ન છે અને તેમાં કોઈ અધિકારીએ મોટી રમત કરી હોય તેવું મનાય છે. બાદમાં ભાજપના ધારાસભ્યોએ શરમ શરમના પોકાર કર્યા હતા. વિધાનસભામાં અધ્યક્ષ પણ ધમાલથી અકળાઈ ગયા હતા અને તેઓએ ખુદે વિધાનસભા છોડી જવાની ચીમકી આપી હતી અને 30 મીનીટ માટે વિધાનસભા મુલત્વી રાખવી પડી હતી. હવે ફરી અશોક ગેહલોટ આ વર્ષનું બજેટ રજુ કરશે.


