હવે 94 કરોડના બદલે 114 કરોડમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સંગ્રહાલય બનશે
વડનગરમાં તૈયાર થનારા પુરાતત્ત્વીય સંગ્રહાલય એટલે કે એક્સ્પિરેન્શિયલઇન્ટરનેશનલ મ્યુઝિયમના બાંધકામ માટે કેન્દ્ર સરકારે અંદાજેલી 93.80 કરોડ રૂપિયાની રકમ કરતાં 22 ટકા ઊંચી રકમ 114.44 કરોડનું ટેન્ડર ભરનારી ફર્મ પીએસપી પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ માટે એક ઠરાવ બહાર પાડીને આ જાહેરાત કરી છે. આ માટે પીએસપી સૌથી નીચી બિડ ઓફર કરનારી સંસ્થા હોવાથી તેને ટેન્ડર ફાળવવાનો નિર્ણય કરી દેવાયો છે. ઠરાવમાં તેમ પણ જણાવાયું છે કે ટેન્ડરમાં પીએસપી પ્રોજેક્ટે અંદાજિત કરતાં 25 ટકા ઊંચી રકમ ભરી હતી પરંતુ પુખ્ત વાટાઘાટોને અંતે કંપની 22 ટકા ઊંચી રકમ માટે સંમત થતાં તેને કામ સોંપાયું છે.

અત્યાર સુધીમાં વડનગર અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ખોદકામ દરમિયાન વિવિધ સંસ્કૃતિઓના ચલણી સિક્કા, બાંધકામ અને શિલ્પ સ્થાપત્ય, ઘરેણાં, વાસણો, તૈલીચિત્રો, શસ્ત્રો અને ઓજારો તથા વાસ્તુકલા સહિતના 40 હજાર ઉપરાંત અવશેષો મળી આવ્યા છે. લગભગ 6000 ચોરસ મીટર વિસ્તારમાં આ મ્યુઝિયમ બનશે. આ પુરાતત્ત્વીય સાઇટનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંચું છે.
અગાઉ ગુજરાત સરકારે 2019-20ના વર્ષમાં આ મ્યુઝિયમ તૈયાર કરવા 1 કરોડ રૂપિયાની અંદાજપત્રીય જોગવાઇ કરી તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોકે તે પછી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે 212.1 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર કરવાની મંજૂરી આપી હતી જેમાં 93.80 કરોડ રૂપિયા મ્યુઝિયમના બાંધકામ અને તેની જાળવણી માટે જ્યારે બાકીની રકમ તેના ક્યુરેટર તરીકે નિયુક્ત થનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાને સોંપાશે.
ઇસ્વીસન પૂર્વે 300ના વર્ષથી 1950 સુધી વડનગર પર જે શાસકોએ રાજ કર્યું તેની શૈલીઓ અહીં સચવાઇને પડી છે. મોહેંજોદરો, ઇજિપ્ત અને હડપ્પાની જેમ અહીં ક્યારેય કોઇ સંસ્કૃતિ નાશ પામી નથી પણ ઉત્તરોત્તર વિકસિત થયેલી સંસ્કૃતિઓ અહીં આજદિન સુધી જીવંત રહી છે. સાતમી સદીમાં ચીની પ્રવાસી હ્યુ એન ત્સાંગે લીધેલી મુલાકાત દરમિયાન ભારતના 11 બૌદ્ધમઠોમાં વડનગરનો ઉલ્લેખ મળી આવે છે. અગાઉ આ મ્યુઝિયમ ઓગસ્ટ 2023માં શરૂ કરવાનું નક્કી થયું હતું. 2022ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પર વડનગરમાં મળેલી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમ જાહેર થયું હતું. જોકે હવે આ મ્યુઝિયમ આવતા વર્ષે માર્ચ મહિનામાં ખુલ્લું મુકાશે. આમ આ કામ જાહેરાત કરતાં સાત મહિના મોડું પૂરું થશે. હાલ આ માટેનું બાંધકામ શરૂ પણ થઇ ગયું હોવાનું સૂત્રો જણાવે છે.


