-
ધરોઈ આધારિત પાણી પુરવઠા યોજનામાં વાવ હેડ વર્ક્સ ખાતેની કામગીરીને લઈને પાણી પુરવઠો બંધ રહેશે
પાલનપુર શહેરને ધરોઈ આધારિત જૂથ યોજના તળે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, ભર ઉનાળે પાણીની પારાયણ વચ્ચે યાંત્રિક કામગીરીને લઈને આગામી 10 થી 12 જૂન દરમિયાન ધરોઈનું પાણી પાલનપુર શહેરને પૂરું પાડવામાં નહિ આવે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તાકીદ પાલનપુર નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
પાલનપુર શહેરને ધરોઈ આધારિત જૂથ યોજનામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જે પાણી શહેરના જુદા જુદા 7 સમ્પમાં નાખી પાલનપુર વાસીઓને પૂરું પાડવામાં આવે છે. જોકે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલનપુર નગરપાલિકાને પત્ર લખી તાકીદ કરાઈ છે. જેમાં ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનામાં વાવ હેડ વર્કસ ખાતે પમ્પિંગ મશીનરીના સંલગ્ન કામગીરી યાંત્રિક વિભાગ મહેસાણા દ્વારા કરવાની હોઇ આગામી તા.10 થી 12 જૂન સુધી ધરોઈ ડેમ ખાતેથી પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી આ 3 દિવસ માટે પાલનપુર શહેર ને આપતો ધરોઈનો પાણી પુરવઠો બંધ રહેશે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પાલનપુર નગરપાલિકાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ, પાલનપુરના નાયબ કાર્યપાલક ઇજનેરે લેખિતમાં તાકીદ કરી છે.
આમ, પાલનપુર શહેરને જરૂર કરતાં ધરોઈનો પાણી પુરવઠો 40 થી 50 ટકા ઓછો મળતો હતો. જેના કારણે પાલિકા દ્વારા બોરથી પાણી પૂરું પડવાની ફરજ પડતી હતી. ત્યારે હવે 3 દિવસ પાણી પુરવઠો બંધ રહેતા પાલનપુર નગરપાલિકાને હવે લોકોને 45 બોર પરથી પાણી પૂરું પાડવું પડશે.
પાલનપુરમાં 45 બોર અને 7 સંપ આવેલા છે.
પાલનપુર શહેરના 1 થી 11 વોર્ડમાં પાલિકાના કુલ 45 બોર આવેલા છે. તેમજ 7 સંપ છે. જેથી ધરોઇથી આવતુ પાણી સંપમાં ઠાલવવામાં આવે છે. અને ત્યારબાદ શહેરને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જે સમયે ધરોઈથી પાણી ન આવે કે ઓછુ આવે તેવા સમયમાં બોર મારફત પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે ધરોઈનું પાણી 3 દિવસ બંધ રહતા પાલનપુર નગરપાલિકાને બોર મારફતે લોકોને પાણી પૂરું પાડવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. જોકે, પાલનપુર શહેરને 1.60 કરોડ લિટર જેટલી પાણીની જરૂરીયાત સામે 40 થી 50 ટકા પાણી ઓછું અપાતું હતું. એમાંય વળી ૩ દિવસ પાણી બંધ રહેતા પાલિકા માટે લોકોને પાણી પૂરું પાડવું પડકારરૂપ બની રહેશે.