બેંક કરતાં પોસ્ટમાં 20 ટકા ઊંચુ વળતર આપવાની લાલચ આપી વિસનગરના પરિવારે 50 લાખનું ફુલેકું ફેરવતા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો
ગરવી તાકાત, વિસનગર તા. 15- મહેસાણાના વિસનગરની ફિનવેસ્ટ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડના ઓથાર હેઠળ ગેરકાયદેસર રીતે પોસ્ટ વિભાગનાં નામે લોકોને અધિકૃત બેંક કરતા 20 % વઘુ વ્યાજ આપવાની લાલચો આપવામાં આવી હતી. બાદમાં લોકો પાસે કંપનીમાં રોકાણ કરાવી 50 લાખનું ફુલેકું ફેરવી દેવામાં આવતાં જગદીશ શિવકુમાર ભટ્ટ સહિતના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાનાં વિસનગરની સિધ્ધનાથ મહાદેવની પોળ માયા બજાર ખાતે રહેતાં જગદીશ શિવકુમાર ભટ્ટ તેની પત્ની પારૂલબેન અને બે દિકરા દિવ્યેશ અને હરીહર ભટ્ટે એસ્પીનો ફિનવેસ્ટ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ઓથાર હેઠળ મળતીયા સાથે મળી ગેરકાયદેસર રીતે પોસ્ટ વિભાગનુ ખોટુ નામ આપી લોકોને અધિકૃત બેંક કરતા 20 % વઘુ વ્યાજ આપવાની લાલચો આપી અનેક લોકોને કંપનીમાં રોકાણ કરાવી 50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
આ અંગે વિસનગર નીલકંઠ મહાદેવ મંદિરની પાસે ભેંસીયા પોળમાં રહેતાં મનીષાબેન રાજેશકુમાર મોદીએ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ – 2019 માં ઓળખાણ થતાં જગદીશ ભટ્ટે તેમની પત્ની અને બંને દીકરાએ એસ્પીનો ફિનવેસ્ટ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ઓથાર હેઠળ પોસ્ટમાં અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરવાથી અધિકૃત બેંક કરતા વધારે 20 % વ્યાજ અને પાકતી મુદ્દતે રોકેલ નાણા એક સાથે પરત મળવાની લાલચ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો.
આથી વિશ્વાસમાં આવી મનીષાબેને કંપનીમાં જુલાઇ 2019 થી ડિસેમ્બર 2023 સુઘીમાં અલગ અલગ સમયે રૂ. 4.65 લાખનું રોકાણ કર્યું હતું. આ દરમ્યાન જગદીશ ભટ્ટનાં ઘરે કંપનીમાં રોકાણ કરવા આવતા શાંતાબેન ભીખાભાઇ પટેલ તેમના પતિ અને દીકરી જ્યોત્સના (રહે.કમલપુર તા.વિજાપુ૨) સાથે મનીષાબેનની ઓળખાણ થઈ હતી. ત્યારે જાણવા મળેલું કે શાંતાબેનનાં નામે રૂ. 17.85 લાખ રોકાણ કરાયું છે.
બાદમાં શાંતાબેનનાં પતિ ભીખાભાઇ પટેલ સીનીયર સીટીઝન હોવાથી તેમની દિકરી જ્યોશનાબેન પટેલ પાકતી મુદતે પૈસા લેવા ગયાં હતાં. જો કે કંપનીના ડિરેક્ટર જગદીશ ભટ્ટ અને તેના બંને દીકરાએ અસલ પાવતીઓ પરત લઈને આજદિન સુધી નાણાં આપ્યા ન હોવાની મનીષાબેનને જાણ થઈ હતી. આથી પાંચ વર્ષથી રોકેલા નાણાંની જરૂર પડતાં મનીષાબેને વિસનગર ખાતે આવેલ પોસ્ટ ઓફીસ જઈ રોકાણની પાવતીઓ રજૂ કરી હતી.
ત્યારે જઈને માલુમ પડયું હતું કે એસ્પીનો ફિનવેસ્ટ ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ કંપની એક પ્રાઇવેટ કંપની છે. જેની સાથે પોસ્ટ વિભાગને કોઇ લેવાદેવા નથી. આ જાણી તેમણે જગદીશ જોડે પૈસાની ઉઘરાણી કરતાં પાકતી મુદતે જ પૈસા પરત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ વારંવાર ઉઘરાણી કરવા છતાં મનીષાબેનને પૈસા પરત મળ્યા ન હતા. બાદમાં તેમને વધુમાં ખબર પડેલ કે ઉક્ત કંપની પાસે નાણા ઉઘરાવવા માટે સરકાર કે આર.બી.આઇ પાસેથી કોઇ પરવાનગી આપવામાં આવી નથી.
આમ ભટ્ટ પરિવારની ચંડાળ ચોકડીએ પોતાની અન્ય કંપની યુનિટેડ હાઉસિંગ લી., અશોકા ટાઉનશીપ કોર્પોરેશન કેનરીન કોર્પોરેશન લી. કંપનીમાં રોકાણ કરાવી જાગૃતીબેન ભાવસાર સાથે પણ છેતરપિંડી કરતાં વિસનગર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં જામીન મેળવીને ભટ્ટ પરિવારે નવી એસ્પીનો ફિનવેસ્ટ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ તથા ઘ ક્રિએટીવ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી સહિત અન્ય કંપનીઓ ખોલીને રોકાણકારોનું 50 લાખનું ફુલેકું ફેરવી દેવામાં આવતાં મનીષાબેનની ફરિયાદના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



