મેલબોર્ન તા.25 – ભારતીય વિદેશપ્રધાન એસ.જયશંકરની મુલાકાતના ગણતરીના દિવસોમાં ફરી ઓસ્ટ્રેલિયાના હિન્દુ મંદિરોમાં તોડફોડ તથા વાણિજય દૂતાવાસ નજીક ખાલીસ્તાની ધ્વજ ફરકાવાતા સરકાર ચોંકી છે.
બ્રિસ્બેનમાં ખાલીસ્તાની સમર્થકોએ ભારતના વાણિજય દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને ઓફિસમાં ખાલીસ્તાની ધ્વજ લગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયામાં કેટલાંક વખતથી ભારતીય સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલા વધી રહ્યા હોવાનું ઉલ્લેખનીય છે. 
ભારતના વાણિજય દૂતાવાસ અધિકારી અર્ચનાસિંહ ને ગત ગુરુવારે ઓફિસ નજીકથી ખાલીસ્તાની ધ્વજ મળતા તુર્ત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દુતાવાસ તથા કર્મચારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ખાલીસ્તાની સમર્થકોએ બે હિન્દુ મંદિરોને ધમકી પણ આપવામાં આવી હતી. ગાયત્રી મંદિરના સંચાલકોને ફોન પર ખાલીસ્તાન ઝીંદાબાદના નારા લગાવવા ધમકી આપવામાં આવી હતી તેવી જ રીતે મેલબોર્નમાં કાલીમાતા મંદિરના સંચાલકોને પણ ધાર્મિક આયોજન રદ કરવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા ઉપરાંત કેનેડામાં પણ ચાલુ વર્ષમાં હિન્દુ મંદિરો પર ખાલીસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી લખાણ તથા વાંધાજનક પોસ્ટરો લગાવવાના બનાવો વધ્યા છે. જાન્યુઆરીમાં ત્રણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.


