અમદાવાદના બે યુવકો પ્રસંગોપાત સંબંધીઓ સાથે આગલોડ ગામે આવ્યાં હતા
સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતાં એકનો પગ લપસી જતાં બચાવવા પડેલા અન્ય યુવક પણ ડૂબ્યોં
બે કલાકની ભારે જહેમત બાદ બંન્ને યુવકોના મૃતદેહ રેસક્યુ ટીમે નદીમાંથી બહાર કાઢ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – આજની યુવા પેઢીમાં સેલ્ફી લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. સેલ્ફી લેવાના ક્રેઝમાં અનેક યુવક યુવતિઓ પોતાના પ્રાણ ઘુમાવી ચૂક્યાં છે. તેમ છતાં આજની યુવા પેઢીથી સેલ્ફીનો મોહ છુટતો નથી અને સમયાંતરે સેલ્ફીના ચક્કરમાં યુવાઓ જીવ ઘૂમાવી રહ્યા છે. મહત્વની બાબત છે કે, યુવક યુવતિઓ સેલ્ફી એવા સ્થળો પર લેવાનું પસંદ કરે છે કે જ્યાં જીવ જોખમમાં મુકાય, ક્યાંક આવતી ટ્રેન સામે સેલ્ફી, ક્યાંક ચાલુ ટ્રેનમાં બહાર નીકળવાની સેલ્ફી, નદીનાં વધતાં પ્રવાહ વચ્ચે સેલ્ફી, પર્વતની ઉંચાઇ પરથી સેલ્ફી આમ અનેક જોખમી સેલ્ફી લેવાના ચક્કરમાં મોતના મુખમાં ધકેલાય છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો અમદાવાદના બે આશાસ્પદ અમદાવાદના યુવકોએ વિજાપુર તાલુકાના આગલોડ ગામેથી પસાર થતી સાબરમતી નદીમાં સેલ્ફીના ચક્કરમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. 
પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ અમદાવાદ રહેતા બે યુવકો ઠાકોર મહેશ ઉ.વ. 18 તથા ઠાકોર રાહુલ ઉ.વ. 20 જેઓ પોતાના સંબંધીઓ સાથે વિજાપુર તાલુકાના આગલોડ ગામે એક પ્રસંગમાં આવ્યાં હતા. આ દરમિયાન બંન્ને યુવકો આગલોડ ગામમાંથી પસાર થતી સાબરમતી નદીમાં સેલ્ફી લેવા માટે પહોંચી ગયા હતા. જ્યાં એક યુવક સાબરમતી નદી પાસે સેલ્ફી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતાં સીધો સાબરમતી નદીમાં પડ્યો હતો. જ્યારે તેને બચાવવા માટે સેલ્ફી ખેંચી રહ્યો યુવક પણ નદીમાં કૂદકો માર્યો હતો. પરંતુ સાબરમતી નદીના પ્રવાહમાં બંન્ને ગરકાવ થઇ ગયા હતા.
આ બાબતની જાણ થતાં આગલોડ ગામના રહીશો તેમજ તેમના સગા ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને વિજાપુર ફાયર બ્રિગેડને જાણ કરતાં બચાવ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી પરંતુ યુવકોની ભાળ મળી ન હતી પરંતુ બે કલાકના ભારે રેસક્યુ બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યાં હતા. આ ઘટનાને પગલે આગલોડમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઇ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ આરંભવામાં આવી છે.


