ગુજરાતથી રાજસ્થાન જતા હોય તો હાલ પુરતું માંડી વાળજો, આબુ હાઈ-વે કરાયો છે બંધ
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 31- બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર ખાડાઓ પડી જતા અમદાવાદ-આબુરોડ હાઇવે બંધ કરાયો છે. આબુરોડ અને રાજસ્થાન જતા તમામ વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધી 30- 35 કિ.મી લાબું ડાયવર્ઝન અપાયું છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં માઉન્ટના અહ્લાદક નજારો જોવા માટે ગુજરાતીઓ ઉમટી પડતાં હોય છે ત્યારે હાલ પુરતો આબુ હાઇવે બંધ કરાયો છે જેથી ધરમધક્કા ખાવાનો વારો ન આવે ચેતી જજો..

ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જવાને કારણે અનેકવાર વાહનો ફસાઈ ચુક્યા છે, તો બેથી ત્રણ વખત ટ્રકો માલ સમાન સાથે પલટી પણ મારી ગઈ છે. જોકે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઇ- વે ઉપર ખાડાઓ પડી જતા અને તેમાં પાણી ભરાઈ જતા હાઇવે બંધ કરાયો છે જેને લઈને પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેટ લગાવી દેવાયા છે અને વાહનોને ડાયવર્ટ કરાઈ રહ્યા છે.
જોકે એક જ મહિનામાં ચોથી વાર હાઇ-વે બંધ કરી દેવાયો છે. જોકે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવતા વારંવાર આ સમસ્યા સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


