ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 04 – રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
![]()
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.


