દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ
નોર્વે : જન્મ અને મૃત્યુ પર કોઈનો કંટ્રોલ છે ખરો? છતાં દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ છે. સાંભળીને નવાઈ લાગે ને… પણ આ વાત સાચી છે. લગભગ 2000 લોકોની વસ્તીવાળા આ શહેરમાં 70 કરતા વધુ વર્ષથી કોઈ પણ લાશને દફનાવવામાં કે બાળવામાં આવી નથી. હવે સવાલ એ ઉઠે છે કે આ તે કેવું શહેર છે કે જ્યાં લોકો મરતા નથી. તો તમને જણાવીએ કે આની પાછળ એક રસપ્રદ કારણ છે.
નોર્વે દેશનું લોંગયેરબ્યેન શહેર ઉત્તર ધ્રુવમાં વસેલુ છે. આ શહેર બાદ ઉત્તર દિશામાં કોઈ અન્ય રહેણાંક વિસ્તાર નથી. એટલે કે કોઈ રહેતું હોય તેવો વિસ્તાર નથી. આ શહેરમાં ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો રહે છે. શહેર મોટાભાગે બરફની ચાદરથી ઢંકાયેલું રહે છે. અહીં વર્ષના 4 મહિના તો સૂર્યદેવના દર્શન પણ થતા નથી. એટલે કે 4 મહિના તો અંધારા જેવું જ રહે છે. જ્યારે સૂર્ય નીકળે ત્યારે અહીંના લોકો તે સમયે તહેવાર જેવી ઉજવણી કરે છે. આવામાં સમગ્ર વર્ષ અહીં બરફ જ જોવા મળે છે.
કેમ છે મરવા પર પ્રતિબંધ?
અહીં બરફમાં દફનાવવામાં આવેલી લાશો ગળતી નથી, ખરાબ થતી નથી કે સડતી નથી. ઉલ્ટું તે જામી જાય છે અને વર્ષો સુધી એમની એમ રહે છે. આવામાં મૃત શરીરના વાયરસ લોકોમાં બીમારી ફેલાવી શકે છે. જેનાથી લોકોના જીવને જોખમ રહી શકે છે. આ જ કારણ છે કે અહીં મૃત્યુ નજીક હોય તેવી સ્થિતિમાં વ્યક્તિને અન્ય જગ્યાએ મોકલી દેવાય છે.
વર્ષ 1917માં અહીં ઈન્ફ્લુએન્ઝાના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. તે સમયે લોકોએ તે વ્યક્તિના મૃતદેહને ત્યાં જ દફનાવી દીધો. પરંતુ વર્ષો બાદ જ્યારે જોયું તો તે મૃતદેહ એવોને એવો જ હતો. વર્ષો બાદ પણ ઈન્ફ્લુએન્ઝાના વાયરસ તે મૃતદેહમાં હતા. આવા જોખમથી બચવા માટે એવો નિયમ બનાવવામાં આવ્યો કે અહીં કોઈ પણ વ્યક્તિને દફનાવવામાં આવશે નહીં. આ જ કારણે અંતિમ સમય નજીક છે તેવો આભાસ થતા લોકોને શિપ કે હેલિકોપ્ટરથી અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે.