મહેસાણા-અમદાવાદ હાઈવે પર હોસ્પિટલમાં આવેલા દર્દીની ગાડીની ચોરી કરનાર બે વાહનચોર ઝડપાયા
શંકુઝ હોસ્પિટલમાં પિતાની સારવાર માટે આવેલા પુત્રની બોલેરો જીપ ચોરીની ફરિયાદ લાંઘણજ પોલીસ મથકે નોંધાવી હતી
શંકુઝ હોસ્પિટલમાં સિક્યુરીટીમાં ફરજ બજાવતાં બે ગાર્ડે જ બોલેરો જીપની ચોરી કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 14 – મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ શંકુઝ હોસ્પિટલમાં પિતાને થેરાપી અપાવવા આવેલા પુત્રની ગાડી પાર્કિગમાંથી અજાણ્યા વાહનચોર શખ્સો ચોરી ગયા હતા. બોલેરો ગાડી ચોરી અંગે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે વાહનચોરોને બોલેરો ગાડી સાથે ઝડપી પાડયા હતા.

મૂળ બનાસકાંઠા જિલ્લાના શામળાભાઈ પટેલ 11 જૂન સવારે નવ કલાકે તેઓના પિતાને કેન્સર હોવાથી કીમિયો થેરાપીનો સેક અપાવવા માટે બોલેરો લઈ મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ સંકુઝ હોસ્પિટલ આવ્યા હતા. જ્યાં પાર્કિગમાં ગાડી પાર્ક કરી તેઓ થેરાપી આપવવા ગયા હતા. જ્યાં પરત આવ્યા એ દરમિયાન ગાડી જોવા ન મળતા લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર કેસમાં લાઘણજ પોલીસ એ તપાસનો ધમધમાટ શરૂ કરતા પોલીસને બાતમી મળી હતી કે, ચોરી થયેલ બોલેરો ગાડીને બે ઈસમો બાલીયાસણ ગામથી હાઇવે બાજુ આવી રહી છે. જેથી પોલીસે ગાડી કોર્ડન કરી રોકાવી હતી. જેમાં ગાડીમાંથી બે ઈસમોને ઝડપી ચોરીની ગાડી કબ્જે કરી હતી.
સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું કે, હાલમાં ધવલ કુમાર ગરાસિયા અને કનૈયા લાલા કૌરને ઝડપી પાડયા છે. જેમાં વધુમાં જણાવ્યું કે બને આરોપી સંકુઝ હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. જ્યારે ગાડી આવી પાર્કિગમાં ત્યારે આ બને ઈસમોએ ગાડી ચોરી હતી. જેમાં ધવલ નામનો આરોપી ચાર દિવસ અગાઉ જ નોકરી પર લાગ્યો હતો અને કનૈયાલાલ છેલ્લા એક વર્ષથી ત્યાં સિક્યુરિટીમાં નોકરી કરી રહ્યો હતો. હાલમાં બે આરોપીને ઝડપી ગણતરીના કલાકોમાં ગાડી કબ્જે કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે ગાડી ચોરવાનો પ્લાન કેવી રીતે ઘડયો અને અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં એ અંગે પૂછપરછ કરવામાં આવશે.


