દૂધસાગરના શાસકોને રજૂઆત કરીને થાકી ગ્યાં છતાં પોષણક્ષમ ભાવ નહીં આપતા ડાભલા ચંદ્રાનગરના દૂધ ઉત્પાદકો ખાનગી ડેરીના આશરે
ગરવી તાકાત, મહેસાણા તા.19 – મહેસાણા દૂધસાગર ડેરીના શાસકોએ જિલ્લાના સેંકડો પશુપાલકોને પારદર્શક વહીવટ આપવાની સુફીયાણી વાતો કરી હતી. પરંતુ હવે આ તમામ વહીવટ અપારદર્શક હોવાની અનુભૂતિ દુધ ઉત્પાદકો કરી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષથી સત્તા સ્થાને બેસીને દૂધસાગર ડેરીનો વિકાસ હરણફાળ રીતે કરવામાં આવી રહ્યો હોવાની પિપૂડી બંધ થતી નથી પરંતુ હવે આ પિપૂડીનો અવાજ સેંકડો દૂધ ઉત્પાદકોના કાને કર્કશ બનીને તેમને પરેશાન કરી રહ્યો છે. જિલ્લાના દૂધ ઉત્પાદકોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે મસમોટા ભાષણો જાહેરસભાઓમાં ઠોંકવામાં આવ્યા હતા. પરંતુ એ ભાષણો માઈકના વાયરમાંથી પસાર થઈ માઈકના ભુંગડામાંથી નિકળીને કયાંય તે હવામાં ઓગળી ગયા હોય તેવી પ્રતિતિ પશુપાલકોને જાેઈતા પૂરતા પ્રમાણના દુધના ભાવ નહિ મળવાથી થઈ રહી છે.

દૂધસાગર ડેરીના સત્તાધીશોની કથની અને કરનીમાં જમીન આસમાનનો તફાવત હોવાનો વાતો હવે જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારની દુધ મંડળીઓમાં ચર્ચાનું સ્થાન બની છે. વિજાપુર તાલુકાના ડાભલા ચંદ્રાનગરના દુધ ઉત્પાદકોને દૂધસાગર ડેરીના શાસકોએ પોષણક્ષમ દૂધના ભાવ નહિ આપતાં મંડળીના સભ્યોએ દુધસાગર ડેરીથી છેડો ફાડી ખાનગી ડેરીનો પાલવ પકડી લીધો છે. પશુપાલકોના મત મુજબ તેમને પોસાય તેવા ભાવ દૂધસંઘ આપતું ન હતુ. આ અંગે અનેકો વખત દૂધ સંઘના શાસકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
પરંતુ જાડી ચામડીના બની ગયેલા સત્તાધીશો પશુપાલકોની રજૂઆતો એક કાનથી સાંભળીને બીજા કાનેથી જાણે કાઢી નાખી હોય તેમ તેમની દરકાર નહિ કરતાં ક્રોધિત દૂધ ઉત્પાદકોએ આખરે ખાનગી ડેરીના આંગણે દુધ આપવાનું મન મનાવી લીધુ છે. દૂધ ઉત્પાદકોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ડાભલા ચંદ્રાનગરના પશુપાલકો દૈનિક ર૦૦ લીટર જેટલું દૂધ દુધસાગર ડેરીને આપતાં હતા.
પરંતુ એ દુધના બદલામાં દુધ ઉત્પાદકોને પોસાય તેવા ભાવ દૂધસાગર ડેરીએ નહિ આપતાં તેઓએ ખાનગી ડેરીના સંચાલકોનો સંપર્ક કર્યો હતો જ્યાંથી તેમને પોષાય તેવા ભાવ મળતા આખરે છેલ્લા બે મહિનાથી અહીના પશુપાલકોએ દૂધ ઉત્પાદન કરીને દૂધનું વેચાણ દૂધસાગર ડેરીના બદલે ખાનગી દૂધ ડેરીને કરવાનું શરૂ કર્યુ છે. જે સ્પષ્ટ રીતે દેખાડી આપે છેકે, દૂધસાગર ડેરીના શાસકો માત્રને માત્ર ફાંકા ફોજદારી કરતાં રહ્યા છે. પશુપાલકોના હિતનું કંઈજ વિચારતા નથી.


