ગોટાળાબાજ ચંદા કોચરની અરજીને સુપ્રીમે ફગાવી, પદ ઉપર ફરીથી નહી લેવાય

શેર કરવા અહીં ક્લિક કરો.

ICICI બેંકની પૂર્વ CEO અને MD ચંદા કોચરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે ચંદા કોચરની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં ચંદા કોચરે બેંકની બરતરફી સામે દાખલ કરેલી અરજીને નકારી કાઢવાના હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતુ કે,  અમે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા તૈયાર નથી. આ મામલો ખાનગી બેંક અને કર્મચારી વચ્ચેનો છે. માર્ચમાં બોમ્બે હાઈકોર્ટે ICICI બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદા કોચરને તેમના પદ પરથી હટાવવા સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

ચંદા કોચર ઉપર આરોપ શુ ?

 ચંદા કોચર ઉપર આરોપ છે કે વીડિયોકોન ગ્રૂપને ગેરકાયદેસર રીતે 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેના પતિ દીપક કોચરને ફાયદો થયો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી જ કોચરને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.જે બાદ બેંકે તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષની શરૂઆતમાં ICICI દ્વારા વીડિયોકોન ગ્રુપને લોન મંજૂરી આપવાના કેસમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA હેઠળ ચંદા કોચર, તેના પતિ દીપક કોચર,તથા વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ  ધૂત અને અન્ય લોકો સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ પછી, પુરાવા શોધવા EDએ 1 માર્ચે દરોડા પણ પાડ્યા હતા. 

શુ છે મામલો ?

 ICICI બેંકમાંથી નોકરીમાંથી કાઢી મુકવાના નિર્ણયને પડકારતા ચંદા કોચરે 30 નવેમ્બર 2019 ના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોચરના વકીલે દલીલ કરી હતી કે બેંકે 5 ઓક્ટોબર 2018 ના રોજ કોચરનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકાર્યું હતું. જેથી બાદમાં તેને બરતરફ કરવી એ ગેરકાયદેસર છે. કોચરે પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે બેંકે તેમનો પગાર અને એપ્રિલ 2009 થી માર્ચ 2018 ની વચ્ચે મળેલા બોનસ આપવા અને શેર વિકલ્પને આપવાનો ઇનકાર કરી દીધો છે.

   

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.