પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે સ્ટ્રીટ લાઈટ કૌભાંડનો મામલો : રૂ.1.97 લાખના ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ
આરટીઆઈ હેઠળ માંગેલી વિગતમાં થયો ચોંકાવનારો ખુલાસો, ડી.ડી.ઓ. અને એ.સી.બી. ને રજુઆત
પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં સ્ટ્રીટ લાઈટમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. વર્ષ 2017 માં 549 રૂપિયાના ભાવની લાઈટ રૂ.4515 રૂપિયાના ભાવથી ખરીદાઈ હતી. માહિતી અધિકારથી માંગેલી વિગતમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે તેમ અરજદાર કહી રહ્યા છે. જેને લઇ અરજદારે જિલ્લા વિકાસ અધિકારી અને લાંચ રૂશ્વત બ્યુરોને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. ટોકરિયા પંચાયતના સભ્ય અને અરજદાર મહંમદભાઈ નશી૨ભાઈ શેરશીયાએ ડીડીઓ ઉપરાંત પાલનપુર લાંચ રૂશ્વત વિભાગને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે 2017 માં સરકાર દ્વારા ટોકરીયા ગ્રામ પંચાયતને ગામના વિકાસ પેટે સ્ટ્રીટ લાઈટ ખરીદી માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંગે ટોકરીયા ગામ પંચાયતના જે તે વખતના સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ અરજદારે કર્યા છે. જેમાં સ્ટ્રીટ લાઈટ પેટે 3.32 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સ્ટ્રીટ લાઈટની બજાર કિમત રૂ.૫૪૯ જેટલી થાય છે છતાં તેની ખરીદી રૂ.4515 રૂપિયા એટલે કે રૂ.3966 નો તફાવત આવ્યો હતો. આમ કુલ 50 નંગ સ્ટ્રીટ લાઈટ રૂ.૪૫૧૫ ના ભાવે ખરીદતા રૂ. 1,97,800 ની ખરીદી થઈ હતી. જેથી 1.97 લાખ જેટલી રકમનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના અને હેલીઅમ સોલર સીસ્ટમ ઈન્ટીગ્રેટર નામની પાર્ટીથી ગ્રામ પંચાયત ટોકરીયાએ ખરીદી કરી છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ કરાયા છે. આ બાબતે તપાસ કરી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જિલ્લા વિકાસ અધિકારી શું કહે છે ?
આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેનો ટેલિફોનિક સંપર્ક કરી પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે અરજદાર દ્વારા આ પ્રકારની અરજી આપવામાં આવી છે. આ અંગે અમોએ જવાબદાર અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ જોયા બાદ આ બાબતની તપાસ કરી ગેરરીતિ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.