સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા વિદેશી શરાબ સહિત બે ઇનોવા કાર મળી કુલ રુપિયા 21.49 લાખનો મુદ્દામાલ ઝડપી પડાયો
કડી તાલુકાના પોલીસ સ્ટેશન હદની અંદર સતત એસએમસી દ્વારા છેલ્લા 20 દિવસમાં ત્રણ રેડ કરવામાં આવી
ગરવી તાકાત, કડી તા. 22 – કડી તાલુકાના થોળ સર્કલ પાસે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા કડી તાલુકાના થોળ સર્કલ પાસેથી બે ઇનોવા કારમાં ભરીને રાજકોટ લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થા તેમજ બે કાર મળી કુલ રૂપિયા 21,49,260નો મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે કડી પંથકમાં તાજેતરમાં આ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા આ ત્રીજી વખત રેઇડ પાડવામાં આવી છે. જ્યારે બે દિવસ અગાઉ મહેસાણાના કસ્બા વિસ્તારમાંથી પણ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યોં હતો. આમ મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ જાણે બાજનજર રાખી રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.
કડીના થોળ ચોકડી પાસે વોચ ગોઠવીને એસએમસીના અધિકારીઓ હાજર હતા. જે દરમિયાન એક ગાડી વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવી હતી. જે દરમિયાન હજુ તો તપાસ ચાલી રહી હતી જે દરમિયાન બીજી એક ઇનોવા ગાડી વિદેશી દારૂની ભરીને આવી હતી. જેથી બીજી એક ગાડી પણ એસએમસીના અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. બંને ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂની 3,733 બોટલ ₹.4,04,260 જપ્ત કરવામાં આવેલી હતી. વિદેશી દારૂના જથ્થા સાથે હનુમાન રામ રતનારામ બિશનોઈ (રે, પૂરગામ તા સાચોર રાજસ્થાન), સીતારામ (રહે રાજ રામ ચૌધરી), (રે. બાલવગામ તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની પૂછપરછ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો રાજકોટ ખાતે લઈ જવાનો હતો અને રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવ્યા હતા. એસએમસી દ્વારા વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 21,49,260નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ છોટુ ઉર્ફે ખિલેરી બિસ્નોઈ (દારૂનો જથ્થો ભરી આપનાર), (રાજકોટ ખાતે દારુ જથ્થો મંગાવનાર અરોપી), ઇનોવા ગાડી નં Gj-04-CJ-9342નો ચાલક, ઇનોવા ગાડી નંબર જીજે-04-સીજે-9342નો ક્લીનર, ઇનોવા ગાડી નં Gj-04-CJ-9342નો માલિક, ઇનોવા ગાડી નં Gj-013-AH-0400ના માલિકને પોલીસના ચોપડે ફરાર બતાવવામાં આવ્યા હતા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.


