ગુજરાતનું વડનગર અને ઉત્તરપ્રદેશનું વારાણસી બન્ને બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા..
બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ખાસ પ્રોજેકટ હાથ ધરાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થાન અને તેમનું બચપણ જયાં વિત્યું હતું તે ગુજરાતના વડનગર અને તેમના મતક્ષેત્ર વારાણસી વચ્ચે પ્રાચીન કાળમાં એક ઐતિહાસિક સંબંધ હોવા અંગે બનારસ હિન્દ યુનિ. દ્વારા એક અભ્યાસ કરવામાં આવશે. કાશી અથવા બનારસ કે પછી વારાણસી તરીકે ઓળખાતી આ નગરી પ્રાચીન ભારતની સંસ્કૃતિ, શિક્ષા અને હિન્દુ સંસ્કારનું ધામ રહ્યું છે. 
જયારે ગુજરાતનું વડનગર પણ તેની પ્રાચીન બૌદ્ધ સભ્યતા ધરાવે છે. બનારસ હિન્દુ યુનિ. દ્વારા કાશી અને વડનગર વચ્ચેના પૌરાણિક કાળમાં એકબીજા સાથે વિશિષ્ટ રીતે જોડાયેલા હતા તેવા ટાઈટલ સાથેના એક પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે. બનારસ હિન્દુ યુનિ.ના ઈતિહાસ વિભાગ દ્વારા આ કાર્ય હાથ પર લેવાશે.
આ વચ્ચે કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ વચ્ચે એક કરાર થયા છે. બનારસ હિન્દુ યુનિ.ના ઈતિહાસ વિભાગના પ્રોફેસર ડો. અતુલ ત્રિપાઠી આ અભ્યાસની ટીમનું નેતૃત્વ કરશે. જેમાં વારાણસી અને વડનગર વચ્ચે 2000 વર્ષ જૂના સંબંધો અંગે અભ્યાસ થશે. ખાસ કરીને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય બાંધકામો અંગેના સંબંધો પર ખાસ ધ્યાન અપાશે.
આ બન્ને શહેરો વચ્ચેના સંબંધ બૌદ્ધ સાધુઓએ સ્થાપિત કર્યા છે. 1500 થી 2000 વર્ષ પુર્વે બૌદ્ધ સાધુઓ સારનાથથી વડનગરનો પ્રવાસ કરતા હતા જેમાં તેઓ મથુરા, સાંચી થઈને જતા હતા અને આ બન્ને સ્થળોએ વડનગર અંગેના પુરાવા મૌજૂદ છે. હજુ એક શતક પુર્વે વડનગરમાં બૌદ્ધ મૌન્ટેસરાના પુરાવા ખોદકામ સમયે મળ્યા હતા.


