ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરની રાધે એક્ઝોટિકા સોસાયટી બહાર આવેલા જોગણી માતાજીના મંદિરમાંથી રૂ.70 હજાર કિંમતના ચાંદીના 11 છત્તરોની ચોરી કરનાર ભંગારના વેપારીને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો આરોપીની પૂછપરછ દરમિયાન તેણે આપેલો ચોંકાવનારો ખુલાસો સાંભળી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ પોલીસ સમક્ષ આરોપી રાજુભાઈ ગોપાલભાઈ શાહે જણાવ્યું કે, માતાજીએ જ મને હુકમ કર્યો કે મંદિરમાંથી નાના છત્તરો લઈ જા અને તેને મોટા બનાવીને પાછા આપી જજે. આ દાવાને લઈને કેસમાં વધુ રસપ્રદ વળાંક આવ્યો.

શહેરના એરોડ્રામ રોડ પર આવેલી રાધે એક્ઝોટિકા સોસાયટી બહાર જોગણી માતાજીનું મંદિર આવેલું 5 એપ્રિલે સોસાયટીમાં રહેતા કનુભાઈ પટેલ પૂજા કરવા મંદિરે ગયા ત્યારે ઘુમ્મટમાં લગાવાયેલા નાના-મોટા 11 ચાંદીના છત્તરો ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં પીઆઈ આશિષ પટેલે ટીમો બનાવી તપાસ હાથ ધરી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં 4 એપ્રિલે એક શખ્સ દર્શનના બહાને એક્ટિવા લઈને આવી ચોરી કરતો કેદ થયો.

એક્ટિવાના નંબરના આધારે પોલીસ શિલ્પા ગેરેજ પાછળ આંબાવાડી વિસ્તારની અનુપમ સોસાયટી પહોંચી જ્યાં જીજે 02 સીએચ 6360 નંબરનું એક્ટિવા મળી આવ્યું પોલીસે રાજુભાઈ શાહની પૂછપરછ કરતાં તેમના એક્ટિવામાંથી મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના છત્તરો મળી આવ્યા લાખોની કિંમતનું મકાન ધરાવતા અને ભંગાર લે-વેચનો વેપાર કરતા રાજુભાઈ અન્ય મંદિર ચોરીમાં પણ સંડોવાયેલા હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ શરૂ કરી.


