-> આયુષ્માન ભારત સહિતની આરોગ્યલક્ષી યોજનાઓના લાભો આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે :- ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં રૂ.૧.૫૬ કરોડના ખર્ચે પુનઃ નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટ પટેલ તેમજ અગ્રણી શ્રી જયરાજસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક સંબોધન કરતા ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારના જન સુખાકારીના વિઝન સાથે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે,

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. ત્યારે દરેક નાગરિક સ્વસ્થ અને નીરોગી જીવન અપનાવે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે અને કુપોષણને અટકાવવા તેમજ બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળે તે માટે સરકાર દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આયુષ્માન ભારત, માં કાર્ડ અને અન્ય આરોગ્ય લક્ષી યોજનાઓના લાભો આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે.

આ ઉપરાંત મંત્રીશ્રીએ ગામમાં ખૂટતી સુવિધાઓ અંગે વ્યવસ્થા કરવા પણ બાહેધરી આપી હતી. વધુમાં તેમણે સરગવો એક ઔષધીય ગુણોથી ભરપૂર વનસ્પતિ છે તેમ જણાવી તેના પાન, ફળી (સરગવાની શીંગ), ફૂલ અને બીજ—આરોગ્ય માટે લાભદાયક છે સરગવામાં વિટામિન A, C અને એન્ટીઑક્સિડન્ટ્સ હોવાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત બનાવી છે તેમ ઉમેર્યું હતું. આથી કંથરાવી ગામની સીમની ચારેબાજુ તેમજ દરેક PHC, CHC તથા આરોગ્ય શાખા ખાતે સરગવાના વૃક્ષને વાવી તેની જાળવણી કરવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કંથરાવી ગામમાં આજે દરેક નાના-મોટી દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે આ નવીન આરોગ્ય કેન્દ્ર બનવાથી લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો થશે.આ તકે ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટ પટેલે આ આયુષ્યમાન આરોગ્ય મંદિર થકી કંથરાવી ગામ સહિત આજુબાજુના આઠ ગામના ગ્રામજનોને ઝડપી તેમજ સ્વસ્થ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશ પટેલ, અગ્રણી શ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ભરતભાઈ સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાર્થ ઓઝા,, તાલુકા સભ્યશ્રી વિકાસ પટેલ, અગ્રણી સર્વે શ્રી ફુલચંદભાઈ પટેલ, ચમનલાલ પટેલ, સરપંચશ્રી દિલીપસિંહ રાજપુત સહિત આરોગ્ય ખાતાના કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



