કૃષિ વિભાગ દ્વારા સર્વે બાદ વિભાગો વચ્ચે સંકલનના અભાવે સહાયની રાહ જોતા અનેક ખેડૂતો
વાવણીની નવી સિઝન શરૂ છતા ખેડૂતોને છેલ્લા 3 માવઠાની પૂરી સહાય હજુ બાકી
ગરવી તાકાત, ગાંધીનગર,તા.14 – રાજયમાં વાવણીની નવી સીઝન શરૂ થઈ ગઈ છે પરંતુ છેલ્લા ત્રણ કમોસમી વરસાદ-માવઠાથી જે ખેડૂતો અસરગ્રસ્ત થયા છે તે તમામને હજુ સુધી રાજય સરકાર તરફથી પૂરી સહાય મળી નથી.ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ જવા પામી છે.પરંતુ સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવે ખેડૂતો કયારે પૈસા હાથમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. રાજયના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાના કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસ કરી તાકિદે સર્વેની કામગીરી કરાતી હોય છે.જો કે તે પછી ગ્રાન્ટના મુદ્દે વિલંબ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
નવેમ્બર-2023માં કમોસમી વરસાદથી આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ, પાટણ, તાપી, બનાસકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જિલ્લામાં પાકને ભારે નુકશાન થયું હતું.તેના કારણે 65 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 100.64 કરોડની સહાય ચૂકવવા ગ્રાન્ટની માંગણીની દરખાસ્ત રાહત કમિશનરની કચેરીને કરાઈ હતી. તે પૈકી અગાઉ એસડીઆરએફ હેઠળ જિલ્લાઓને ફાળવેલી ગ્રાન્ટમાંથી બચેલી ગ્રાન્ટને ખેડા,સુરત, આણંદ, નવસારી વિગેરે જિલ્લાને કુલ 18.37 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ તેમાંથી ખર્ચ કરવાની મંજૂરી અપાઈ હતી.તે સાથે બનાસકાંઠા, પાટણ અમદાવાદ અને પંચમહાલ જિલ્લાને 82.26 કરોડની ગ્રાન્ટની ફાળવણી હજુ પણ પ્રગતિમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તે પછી માર્ચ-2024માં થયેલા કમોસમી વરસાદથી સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અને અરવલ્લી જિલ્લામાં 9 હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓને 8 કરોડની સહાય ચુકવવા માટે ગ્રાન્ટ માંગણીની દરખાસ્ત રાહત કમિશ્નર કચેરીને કરાઈ હતી.તે દરખાસ્ત ઉપર કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં મે-2024માં કમોસમી વરસાદ થતા કૃષિ પાક સાથે બાગાયતને પણ ભારે નુકશાન થયું હતું.
જેમાં નર્મદા, સુરત, વલસાડ, જિલ્લામાં 1.59 કરોડની સહાય ચુકવવા માટે ગ્રાન્ટની માંગણીની દરખાસ્ત રાહત કમિશ્નરની કચેરીને કરાઈ છે તે કયારે ચુકવાશે તે સવાલ છે. કેરી અને કેળના પાકને તેમાં નુકશાન થવા પામ્યું હતું.હાલ નવી વાવણીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નુકશાન થયું છે તેવા ખેડૂતોને વહેલી તકે સહાય મળે તો આર્થિક ટેકો મળે તેવી આશા છે.