ખ્રિસ્તીઓનો સૌથી મહત્વનો પર્વ એટલે ઇસ્ટર

April 9, 2023

ઇસ્રાયેલી ધર્મમાં ઈસુના જન્મ પૂર્વેની બેત્રણ સદીઓ પહેલાં એક ખ્યાલ વિકસે છે. એ ખ્યાલ છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી

ઈસુએ પોતાના મરણ વિશે ત્રણ વખત શિષ્યો ને જાણ કરી હતી

ગરવી તાકાત, તા. 09 – માણસના જીવનનો સૌવથી મોટો પડકાર એટલે કે મોત. કોઈ પણ રીતે માણસ પોતાના જીવને બચાવવા તથા લંબાવવા પ્રયત્ન કરશે. બીમારીમાંથી સાજાપણા માટે ગમે તેટલો ખર્ચ કરતાં પણ અચકાશે નહી. અનેક પ્રકારના પ્રયત્નો કરશે જેથી સ્વાસ્થ પાછુ મળે. જો પોતાના પર કોઈ હુમલો કરશે તો સ્વબચાવ માટે બધા જ પ્રયત્નો કરશે અને પોતાના જીવને બચાવશે. પરંતુ વાસ્તવીકતા તો એ છે કે જે કોઈનો જન્મ થાય, તેનું મૃત્યુ તો ચોક્કસ થવાનું જ.

ઇસ્રાયેલી ધર્મમાં ઈસુના જન્મ પૂર્વેની બેત્રણ સદીઓ પહેલાં એક ખ્યાલ વિકસે છે. એ ખ્યાલ છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી. મૃત્યુ પછી જીવન છે. મૃત્યુ પછીના એ જીવનને અનંતજીવન કહેવામાં આવે છે. આ અનંતજીવનમાં પ્રવેશવા મૃત્યુ એક દ્વાર બને છે. માનવ મૃત્યુમાં પોઢી જાય છે, પણ તરત જ પુનઃ ઉત્થાન પામે છે, જેને પુનરુત્થાન કહેવામાં આવે છે . પુનરુત્થાન એ અનંતજીવનની શુભ શરૂઆત છે. આ અનંતજીવનમાં સ્થળ અને કાળની મર્યાદા હરગીઝ નથી. આપણા પૃથ્વી પરના વર્તમાન જીવનની આધિ વ્યાધિ ઉપાધિ અનંતજીવનમાં નથી. બે હજાર વર્ષ પેહલાં પ્રભુ ઈસુના મૃત્યુ સમયે મૃત્યુ વિશેની પૂર્વ ભૂમિકા આ હતી. એ સમયે ત્યાં રોમન શહેનશાનું રાજ્ય હતું.

ઈસુએ પોતાના મરણ વિશે ત્રણ વખત શિષ્યો ને જાણ કરી હતી. છેલ્લીવાર પણ જયારે ઇસુ યરુશાલેમ બાર શિષ્યો સાથે જતા હતા ત્યારે એમને એક બાજુએ બોલાવીને કહ્યું, “જુઓ, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ; ત્યાં માનવપુત્ર (ઇસુ)ને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે, તેઓ એને મૃત્યુદંડ ફરમાવી પરદેશીઓ (રોમનો)ને હવાલે કરશે. તેઓ એની મશ્કરી કરશે, એને ફટકા મારશે અને ક્રુસે ચડાવશે; ગુડ ફ્રાઈડેના દિવસે યહુદી લોકોના આગેવાનોએ પ્રપંચ રચી અતિક્રુર અને અપમાનિત રીતે ક્રૂસ ઉપર પ્રભુ ઈસુનું મોત નીપજાવ્યું. માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે પ્રભુ ઇસુએ સ્વેચ્છાથી પોતાનીજાતને બલીનારૂપમાં યહુદીઓના અગવાનોને સોંપી દીધી. તેમના મૃત્યુથી આગેવાનોને આનંદ થયો કારણકે આ તેત્રીસ વર્ષનો યુવાન એમની માટે પડકારરૂપ હતો અને હવે તેનો નાશ થયો.

યુહુદીઓની પરંપરા પ્રમાણે ખડકમાં કોતરેલી ગુફામાં મૃત્યુદેહને દફનાવાવમાં આવતો. પ્રભુ ઈસુના દેહને એવી કોતરેલી કબરમાં દફનાવાવમાં આવ્યો. સામાન્ય રીતે કબરના દરવાજા આગળ તો મોટી શિલા મુકવામાં આવે છે. તેટલું પુરતું હતું પરંતુ તકેદારી માટે ઇસ્રાયેલી આગેવાનોએ રોમન અધિકારીઓ પાસે ચોકીદારો મૂકવાની ખાસ માંગણી કરી કારણ કે તેમને જાણ હતી કે ઈસુએ જાહેરમાં કહ્યું હતું કે મરણ પછી ત્રીજે દિવસે તે કબરમાંથી બેઠા થશે. પુરોહિતો અને ફરોશીઓને એવો ડર હતો કે કદાચ ઈસુના શિષ્યો આવી એમના શબને ઉપાડી જાય અને પછી લોકોને કહે કે એ ફરી સજીવન થયા છે. પિલાતે તેમને કબર આગળ જાપ્તો રાખવા ચોકીદારો આપ્યાં. શિલા ઉપર મહોર મારી અને પહેરો ગોઠવી દિધો.

એ અઠવાડીયાના રવિવારની વહેલી સવારે જે ઘટના બની તેના લીધે આખા માનવજાતના ઇતિહાસમાં પરિવર્તન આવ્યું! પ્રભુ ઈસુએ મૃત્યુ પહેલાં પોતાના વિશે કહ્યા પ્રમાણે ત્રીજે દિવસે વહેલી સવારે તેમનું પુનરુત્થાન થયું. આ જોઇને ચોકીદારો ભયના માર્યા ધ્રુજી ઊઠ્યા અને મડદાં જેવા થઇ ગયા. જે હકીકત ચોકીદારોએ અનુભવી હતી તેની જાણ તેમણે આગેવાનોને કરી. મુખ્ય પુરોહિતો અને આગેવાનોનાં મન અને હૃદય એટલાં તો જડ થઈ ગયાં હતા કે બિન ઇસ્રાયેલી ચોકીદારોની સાક્ષી સ્વીકારવાના બદલે તેમને મોટી લાંચ આપી કહ્યું કે, “તમે એમ કહેજો કે, તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો આ વાત સૂબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું. તમને આંચ આવવા નહિ દઈએ.” ચોકીદારોએ નાણાં લીધાં અને કહ્યા પ્રમાણે કર્યું.

પ્રભુ ઇસુ ક્રૂસ ઉપરના મૃત્યુ પછી પુનરુત્થાન પામે છે અને અનંતજીવનમાં પ્રવેશે છે. પ્રભુ ઈસુના જીવનની સૌથી મહત્વની ઘટના એ હતી કે તેઓ મૃત્યુબાદ ત્રીજે દિવસે પુનરુત્થાન પામી કબરમાંથી બહાર આવે છે. ત્યારપછીના ચાળીસ દિવસ દરમિયાન પુનરુત્થાન પામેલા પ્રભુ ઇસુ એમનાં અંગત શિષ્યોને અનેકવાર દર્શન દે છે. તેમના પુનરુથાન બાદ ચાલીસમા દિવસે તે એમના શિષ્યોની હાજરીમાં આકાશ તરફ પ્રયાણ થઈને સ્વર્ગમાં ચઢી ગયા. તે દુનિયાના છેલ્લે દિવસે ન્યાય કરવા ફરીવાર આવશે. પ્રભુ ઈસુનું પુનરુથાન એજ ઇસ્ટર અથવા પાસ્ખાનો પર્વ. એની તૈયારીરૂપે ખ્રિસ્તીઓ ચાલીસ દિવસ પ્રાર્થના, તપ, ઉપવાસ, દાન-ધર્માદા કરતાં હોય છે જેથી ઇસ્ટરનો પર્વ ભક્તિથી ઉજવી શકે. ખ્રિસ્તીઓ માટે આ સૌથી મહત્વનો પર્વ છે. પ્રભુ ઈસુએ એમના જીવનકાળ દરમ્યાન અસંખ્ય ચમત્કારો કર્યા હતાં. ક્રૂસ ઉપરના મૃત્યુના થોડાજ દિવસો પેહલાં ઇસુએ તેના મિત્ર લાઝરસને મૃત્યુમાંથી ચોથા દીવસે જીવતો કર્યો હતો. ઈસુ લાઝરસની કબર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા કે હવે તો લાઝરસની લાશ ગંધાઈ ઉઠી હશે કારણ કે લાઝરસને મર્યા ચાર દિવસ થઇ ગયા હતા.

છતાં ઇસુ આગળ વધે છે અને હાંક મારીને લાઝરસને કબરમાંથી જીવતો બહાર કાઢે છે. તે વેળાએ ત્યાં હાજર રહેલા લોકોને તે કહે છે, “હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું, જેને મારામાં શ્રદ્ધા છે, તેનું મૃત્યુ થાય તોપણ, તે જીવતો થશે. બલ્કે, મારામાં શ્રદ્ધા રાખનાર કોઈપણ જીવતો માણસ કદી મૃત્યુ નહિ પામે.” અર્થાત દેહ તો માટીમાં ભળી જવાનો પણ ઇસુમાં શ્રદ્ધા રાખનારનો આત્મા અનંતકાળનું જીવન પ્રાપ્ત કરશે. ઈસુના નિકટના શિષ્યોએ ઇસુનો સાક્ષાત અનુભવ કર્યો હતો અને સાડા ત્રણ વર્ષ સુધી ઈસુની સાથે ને સાથે રહ્યાં. ઈસુના કાર્યો, ચમત્કારો, વાણી અને જીવન શૈલી અનુભવી હતી. વિશેષમાં પુનરુત્થાન પામેલા ઈસુનો તેમને અનુભવ થયો હતો. પ્રભુ ઈસુની વિદાય પછી શિષ્યો પણ ઇસુ જેવા ચમત્કારો કરતાં થયા અને એમ એમને ઈસુની હાજરીનો અનુભવ થવા લાગ્યો જેથી તેમની ઈસુમાં શ્રદ્ધા બેઠી, ઈસુ પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો અને એટલે જ તેનો પ્રચાર કરવા નીકળી પડે છે. આ અનુભવના લીધે અભણ, ડરપોક, પછાત એવા ઈસુના બાર શિષ્યોમાંથી અગિયાર શિષ્યોએ પોતાના પ્રાણ ઈસુના પ્રચાર કરતાં કરતાં પાથર્યા હતાં. ખ્રિસ્તીઓ માટે પ્રભુ ઇસુ જીવિત અને વર્તમાનમાં હાજર એવા પ્રભુ છે.

ઈસુનું પુનરુત્થાન ખ્રિસ્તીશ્રદ્ધાળુઓને ખાતરી આપે છે કે તેઓ પણ ઈસુની સાથે ફરી જીવતાં ઉઠશે. ખ્રિસ્તીઓ મક્કમતાપૂર્વક માને છે અને તેથી આશા રાખે છે કે જેમ ઇસુખ્રિસ્ત ખરેખર મરેલામાંથી સજીવન થયા છે અને સદાને માટે જીવે છે, તેમ મૃત્યુ પછી પુણ્યશાળી માણસો પુનરુત્થાન પામેલ ઇસુખ્રિસ્ત સાથે અનંતકાળ જીવશે અને ઇસુખ્રિસ્ત તેમને કયામતને દીવસે જીવતાં ઉઠાડશે. સર્વ ભાઈ-બેહનોને ઇસ્ટર પર્વની શુભેચ્છાઓ.

-મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન, ગાંધીનગર મહાધર્મપ્રાંત

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0