– એસટી ડેપો વિસ્તારમાં મેડિકલ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરીને બહાર નીકળવા માટે હાથ જોડ્યા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે, અને દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે, તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તે માટે આજે જામનગરના મેયર ખુદ માર્ગ પર ઉતરી પડયા છે. અને લોકોને મેડિકલ માસ્કનું વિતરણ કર્યા પછી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
જામનગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ આજે 10.30 વાગ્યા પછીથી શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાં જાતે જ પગપાળા ચાલીને ફર્યા હતા
અને માસ્ક પહેર્યા વગર નિકળનારા લોકોને બે હાથ જોડી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની વિનંતી કરી હતી. તેમજ મેડીકલ માસ્કનું વિતરણ કરી અને ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નહીં નીકળવા અપીલ કરી હતી.
એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં લારી-ગલ્લા પર, દુકાનો પર તેમજ એસટી ડેપો રોડ પર આવેલી જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પગપાળા ચાલીને મેયર જાતે ફર્યા હતા, અને માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટે ની પ્રત્યેક નાગરિકોને હાથ જોડીને નમ્ર અપીલ કરી હતી. મેયરની આ પહેલને લઈને એસ.ટી. ડેપો વિસ્તારના અનેક લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. અથવાતો મેયર પાસેથી માસ્ક સ્વીકારીને ભવિષ્યમાં માસ્ક પહેરીને જ બહાર નીકળશે, અથવા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જાળવશે, તેવો પ્રતિભાવ આપ્યો હતો.