મહેસાણા એલસીબીની ટીમે પોલીસને ચકડોળે ચઢાવનાર ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા
મહેસાણા જિલ્લાની મંડળીઓના તાળા તોડી ગેંગ રોકડ તથા વાહનોની ચોરી કરતી હતી
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સમક્ષ ચોરીની સાત ઘટનાઓને અંજામ આપ્યાંની કબુલાત
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – મહેસાણા જિલ્લામાં વિવિધ દૂધ મંડળીઓના તાળા તોડી તેમાંથી રોકડ તેમજ વાહનોની એક પછી એક ઘટનાઓને અંજામ આપનાર તેમજ દુકાનોના શટર તોડવામાં માહેર તેમજ વાહનચોરી જેવી ઘટનાઓને અંજામ આપી છેલ્લા એક માસથી પોલીસને ચકરાવે ચડાવનાર ચિખલીગર ગેંગના બે સાગરીતો આખરે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ૨.૯૦ લાખના મુદ્દામાલ સાથે સપડાયાં હતા. જ્યાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ચીખલીગર ગેંગના સાગરીતોએ વટાણાં વેરી દઇ છેલ્લા એક માસ દરમિયાન સાત ઘટનાઓને અંજામ આપી હોવાની કબુલાત કરી હતી. 
તાજેતરમાં જિલ્લાના વિવિધ ગામડાઓની દૂધ મંડળીઓના તાળા તોડી દૂધ મંડળીમાં પડેલ રોકડ રકમ તથા મોટર સાયકલ તથા રીક્ષાની ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એલસીબી ટીમના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ આશાબેન, કેશરસીંહ, દિલિપસિંહ, ડાહ્યાભાઇ, દિનેશભાઇ, રાજેન્દ્રસિંહ નિલેશકુમાર, શૈલેષકુમાર, પિયુષકુમાર, સાબીરખાન, રમેશભાઇ, સંજયભાઇ, મહેશકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર, રોહિતકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી અલગ અલગ વાહનોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંજયભાઇ વેલજીભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે,
મહેસાણા જિલ્લામાં આતંક મચાવતી ચીખલીગર ગેંગના બે સાગરીતો રીક્ષા નંબર જીજે૦૨-વાયવાય-૯૮૭૧માં રામપુરા ચોકડીથી મહેસાણા તરફ આવી રહ્યા છે અને હાલ રીક્ષા રામપુરા સર્કલ તરફથી મહેસાણા તરફ નીકળી છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી રીક્ષાને કોર્ડન કરી લીધી હતી. જેમાં બેઠેલા બે સાગરીતોના નામ ઠામ પુછતાં સનીસીંગ તુફાનસીંગ સરદાર (ચીખલીગર) રહે. વૃદાવન ચોકડી, ઇન્દીરાનગર ખેરાલુ તથા પપ્પુભાઇ ચેલાભાઇ દેવીપૂજક રહે. ડેલીમવાસની પાછળ વાઘરીવાસ, ખેરાલુ વાળા પાસે રીક્ષાના કાગળ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા
જેમની વધુ પુછપરછ કરતાં બંન્ને ઇસમોએ મગરોડા ગામ તથા સદુથલા ગામે દૂધ મંડળીના તાળા તોડી ચોરી કરેલ તથા મેઘલીયાસણ ગામેથી રીક્ષા ચોરી કરેલ તથા કંસારાકુઇ ગામેથી મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરતાં એલસીબીએ બંન્ને ઇસમો પાસેથી ૧૦ હજાર રોકડ, રીક્ષા સહિત કુલ રૂા. ૨.૯૦ લાખના મુદ્દામાલ સાથે છેલ્લા એક માસથી આતંક મચાવતી ગેંગના સાગરીતોને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા જ્યારે વધુ પુછપરછમાં સાત ઘટનાઓને અંજામ આપ્યાની કબુલાત કરી હતી તેમજ વોન્ટેડ આરોપી બોબીસીંગ તુફાનસીંગ રહે. ઇન્દીરાનગર, વૃદાવન ચોકડી ખેરાલુ તથા પ્રેમસીંગ તુફાનસીંગ સરદાર રહે. ઇન્દીરાનગર, વૃદાવન ચોકડી ખેરાલુવાળા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે, ચીખલીગર ગેંગના આ સાગરીતો ભુંડ પકડવા સારુ અલગ અલગ જગ્યાએ જતાં હોય છે જે ભુંડ પકડવા લોડીંગ રીક્ષામાં ઘરેથી નિકળી ગામડાઓમાં ભુંડ શોધવા ફરતા અને આ દરમિયા ગામડાઓમાં દૂધ મંડળીઓની રેકી કરી દૂધમંડળીઓને નિશાન બનાવતાં હતા. રાતના ચોરી કરવા જતાં પહેલા અને ચોરી કર્યા બાદ કપડા બદલી દેતા હતા જેથી કોઇને આ ગેંગ પર શક ન પડે. તેમજ ડેરીના દરવાજાના નકુચા તથા તાળા તોડવા લોખંડની કોસનો ઉપયોગ કરતાં હતા. જેમને મહેસાણા એલસીબી ટીમની સફળ કામગીરીને પગલે આખરે સકંજામાં સપડાયા છે.


