જાહેરમાં એરગનથી ફાયરિંગ કરનાર વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં કોરોના મહામારીની પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગોમાં તેમજ અન્ય પ્રોગ્રામોમાં પણ સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જણાવવામાં આવેલુ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લગ્ન પ્રસંગોમાં નિયમોના ધજાગરા ઉડતા હોય છે. જેમાં પાલનપુર તાલુકાના કાણોદર ગામે પણ લગ્નના વરઘોડામાં જાહેરમાં એરગનથી ફાયરિંગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરવા મામલે પાલનપુર તાલુકા પોલીસે ત્રણની અટકાયત કરી હતી. કાણોદર ગામે લગ્નપ્રસંગમાં એરગનથી જાહેરમાં હવામાં ફાયરિંગ કરવા બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જે બાબતે મીડિયામાં પણ અહેવાલો પ્રસિદ્ધ કરાતા પાલનપુર તાલુકા પી.એસ.આઇ બી.આર.પટેલ તથા તેમની ટીમે આ બાબતે સઘન તપાસ આદરી હતી. જેમાં વીડિયોની તપાસમાં હવામાં ફાયરીંગ કરનાર વરરાજા આશિષકુમાર દેવરાજ ચાવડા રહે. કાણોદર તથા મદદગારીમાં પિયુષકુમાર લવજીભાઈ ચાવડા રહે. કાણોદર તેમજ સાગરભાઈ કરસનભાઇ રણાવાસીયા રહે. મોટા કરઝા, તા. અમીરગઢ વાળા જણાઈ આવતા ત્રણેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી એરગન કબ્જે કરવામાં આવી હતી. લગ્નના વરઘોડામાં નિયત કરેલ સંખ્યા કરતાં વધુ લોકો એકત્ર થઇ તેમજ માસ્ક પણ ન પહેરી કોરોબા વાયરસની મહામારીના જાહેરનામાનો ભંગ થયેલ હોવાનું જણાતાં તે બાબતે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.