— ચોમાસાની ઋતુ દરમ્યાન આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની ભીતિ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના વાસડાથી સાંગ્રા જતા માર્ગ પર ચોમાસાની ઋતુના પ્રારંભમાં જ મોટો ભુવો પડી ગયો છે.
જેના કારણે આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રાત્રિ દરમ્યાન આ ભૂવો મોટો અકસ્માત નોતરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

પાલનપુર પંથકમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા રોડ રસ્તાઓમાં ખાડા પડવા અને ભૂવા પડવા જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. તેમાં પાલનપુર તાલુકાના વાસડા સાંગ્રા જતો માર્ગ પણ બનાવ્યાને હજુ ઝાઝો સમય થયો નથી ત્યાં ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદમાં જ મોટો ભુવો પડી ગયો છે.
સામસામે બે વાહન આવી જાય તો એક વાહન નિકળ્યા બાદ જ બીજું વાહન નીકળી શકે તેટલો મોટો ભૂવો પડી જતા આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે અને રાત્રિ દરમ્યાન આ ભૂવો મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ વાહન ચાલકોને સતાવી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર