– બસમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન
– રાધનપુરના પ્રેમી-પંખીડા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું: પરિવારની શોધખોળ હાથ ધરી
ડીસામાં રવિવારે વહેલી સવારે માંડવીથી અંબાજી જવા નીકળેલી બસ ડીસા ડેપો ખાતે પહોંચી હતી. જોકે તે દરમિયાન બસની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેભાન હાલતમાં પડેલા હોવાનું કંડક્ટરના ધ્યાને આવતા આ બાબતે કંડકટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ ઉપર આવી બન્નેને સારવાર અર્થે સિવિલમાં ખસેડતા ફરજ ઉપરના ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
રવિવારે માંડવીથી અંબાજી જવા નીકળેલી એસ.ટી. બસ વહેલી સવારે ડીસા ડેપો ખાતે આવી પહોંચી હતી. તે દરમિયાન બસના કંડકટરનું ધ્યાન બસની સીટ ઉપર બેભાન અવસ્થામાં પડેલા યુવક-યુવતી ઉપર જતા તેને આ બાબતે પોલીસને ફોન કરતાં ઉત્તર પોલિસની ટીમ ડેપો ખાતે દોડી આવી હતી. જ્યાંથી બન્ને યુવક-યુવતીન સીવિલ ખાતે ખસેડયા હતા. જો કે ફરજ ઉપરના તબીબે બન્નેને મૃત જાહેર કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતકોના ઓળખ અંગે સામાનમાં તપાસ કરતા યુવક વિપુલ અશોકભાઈ માજીરાણા ઉંમર ૨૨ વર્ષ અને યુવતી ખુશ્બુબેન રમેશભાઈ માજીરાણાં ઉંમર ૧૭ વર્ષ બન્ને રહે.રાધનપુરના રહેવાસી હોવાની જાણ થઈ હતી. જોકે આ યુવક અને યુવર્તી વચ્ચે પ્રેમ સબંધ હોઈ તેમને આ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
— રાત્રે બે વાગ્યે યુવક-યુવતિ રાધનપુરથી બસમાં બેઠા હતા
આ બાબતે બસના કંડકટર જીગર પ્રજાપતિએ જણાવ્યું કે, શનિવારે સાંજે માંડવીથી અંબાજી માટે બસ ઉપડી હતી. તે બસ રાત્રે બે વાગ્યેની આસપાસ રાધનપુર ખાતે પહોંચી હતી. જ્યાંથી બે યુવક-યુવતી બસમાં બેઠા હતા. અને રવિવારે સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ બસ ડીસા ડેપો ખાતે આવી હતી. તે દરમિયાન આ યુવક-યુવતી સીટ ઉપર બેભાન હાલતમાં જણાતા ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી
(ન્યુઝ એજન્સી)