ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ભરબજારમાં કુવારલા ગામના યુવાન પર મોં ઢાંકીને આવેલાં શખસે ચાકુ વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને ધાનેરા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતો. હુમલાખોર શખસોને લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ધાનેરા તાલુકાના કુવારલા ગામે રહેતાં મશરૃભાઈ રબારી તેના સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા પરબતભાઈની ગાડીમાં સવાર થઈને દેતાલ ગામ તરફ જતાં હતા. દરમિયાનમાં ધાનેરા શહેરના કારગીલ હોટેલ નજીક પાનના ગલ્લા પર નમકીન લેવા જતાં એકાએક ધસી આવેલાં બુકાનીધારી શખસે ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને મશરૃભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી.
એકાએક થયેલાં હુમલાના પગલે પરબતભાઈએ બુમાબુમ કરતાં આજુબાજુમાંથી દોડી આવેલાં લોકોએ હુમલાખોર શખસને પકડી લઈને પોલીસને સોંપી દીધો હતો. પોલીસની પુછતાછમાં આરોપી રાજસ્થાનના સાંકડ ગામનો નીલા જવાનભાઈ રબારી હોવાનું ખુલવા પામ્યું હતુ.
બનાવની તપાસમાં આરોપીએ ઈજાગ્રસ્ત મશરૃભાઈના પરિવારની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં છુટાછેડા કરાયાને પણ બે વર્ષ થયા હતા. જેની અદાવત રાખીને આરોપીએ હુમલો કર્યાનું જાણવા મળ્યું હતુ. ઈજાગ્રસ્ત મશરૃભાઈને પ્રથમ ધાનેરા સરકારી દવાખાને ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ અંગે ધાનેરા પોલીસે આરોપી વિરૃધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર