બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તબીબો સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે પ્રજામાં નારાજગી જોવા મળી છે. આમ તો ડિગ્રી વિના કોઈની સારવાર કરવી તે કાયદાકીય રીતે ગુનો બને છે પરંતુ વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવા ઈસમો ખરેખર ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન હોય છે તેવું પ્રજાનું માનવું છે. આ વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીમાં કેટલીક મોટી હોસ્પિટલોના ડિગ્રી ધરાવતા તબીબો જ્યારે લોકો સાથે લૂંટ ચલાવતાં હતા. તેવા કપરા સમયમાં કેટલાંક લોકોને મફતમાં તો કેટલાકને સામાન્ય નાણાં લઈ આ તબીબોએ બચાવવામાં મદદ કરી હતી. આવા તબીબોને હાલના તબક્કે ડિગ્રી માટે તેમની પરીક્ષા લઈને અથવા તો અન્ય કોઈ પ્રકારે તેઓને હોસ્પિટલ ચલાવવા માટે છૂટછાટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.