ગરવી તાકાત કાંકરેજ : બોલ માડી અંબે જય જય અંબે..ના ગગનભેદી નાદ સાથે ભાવિક ભકતો આરાસુરી અંબાના ધામ અંબાજી તરફ ભાદરવી પૂનમ પગપાળા વર્ષોથી જાય છે છેલ્લા બે વર્ષથી કોરોના કોવિડના કારણે બંધ રહેલ ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે રંગેચંગે યોજાયો.. પરંતુ આ વર્ષની કાળઝાળ ગરમી બફારાથી લોકો પશુ પંખીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે રાજ્યભરમાં ભાદરવી પૂનમે પલટાયેલા હવામાનની અસર કાંકરેજ તાલુકાના થરા સહિત આજુબાજુના વિસ્તારમાં બપોરે બે વાગ્યા પછી પૂર્વ દક્ષિણ દિશામાંથી કાળાં ડીબાંગ વાદળો ચડી આવ્યાં હતાં
ને ગાજવીજ તોફાની પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં કાળઝાળ ગરમી બફારાથી ત્રાહિમામ લોકો પશુ પંખીઓએ રાહતનો દમ ખેંચ્યો હતો.કાંકરેજ તાલુકાના થરા વડા તાણા મૈડકોલ અધગામ ઉણ ટોટાણા શિહોરી ખિમાણા કંબોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. નાના બાળકો પક્ષીઓ વરસાદમાં ભિજાવવાનો આનંદ લેતા જોવા મળ્યા હતા.
ચોમાસુ કૃષિ પાકો બાજરી જુવાર સહિત જો વધુ વરસાદ થાય તો નુકસાન થશે તેવી ભીતી ખેડૂતો એ વ્યકત કરી હતી.મેઘરાજાની ધમાકેદાર પધરામણી સાથે ભાદરવી પૂનમનો મેળો શાંતિ સભર વાતાવરણમાં સંપન્ન થયો હતો અને હવે મૃતાત્માઓને તર્પણ અર્પણ વિધિથી તેમને ભાવતાં ભોજન સોળ દિવસ બનાવી શ્રાધ્ધ રૂપે અર્પવામાં આવશે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ