ગરવી તાકાત મહેસાણા: દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરામાં આવેલું ઐતિહાસિક સૂર્યમંદિર ઇલેક્ટ્રીક વાહનો (ઇવી) ચાર્જિગ સ્ટેશન ધરાવતું દેશનું પ્રથમ પર્યટન સ્થળ બન્યું છે. જેનો લાભ સૂર્યમંદિર નિરખવા આવતા પ્રવાસીઓને મળશે. મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે કર્કવૃત્ત રેખા ઉપર બંધાયેલું ઐતિહાસિક સૂર્યમંદિર તેની શિલ્પકલાને કારણે જગમશહૂર છે. વર્ષે દહાડે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ સૂર્યમંદિરની મુલાકાત લેતાં હોઇ પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરાઇ રહ્યો છે.
તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રૂ.69 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ ઊભો કરી મોઢેરા ગામ અને સૂર્યમંદિરને સૌરઊર્જા પૂરી પાડવામાં આવી રહી છે. સોલાર પ્રોજેક્ટ અંતર્ગત સૂર્યમંદિર સંકુલમાં ઇલેક્ટ્રીક વાહન (ઇવી) ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું છે. અહીં સૂર્યમંદિર જોવા આવતા પર્યટકો ઇલેક્ટ્રીક કાર સહિતનાં વાહન ચાર્જિંગ કરી શકે તેવી વ્યવસ્થા કાર્યરત કરાઈ છે.
પર્યટકો કારની સાથે મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકે છે. અમદાવાદના પ્રવાસી હિરેનભાઇ પટેલ સહિત પર્યટકોએ જણાવ્યું કે, સૂર્યમંદિરે ઊભી કરાયેલી આ સિસ્ટમથી ઇલેક્ટ્રીક વાહનોના માલિકોને ચાર્જિંગની સુવિધાથી લાભ થશે.


