સાગરદાણમાં લાખો રુપિયાનો કાચો માલ પલળી ગયા બાદ હવે વિહાર શીતકેન્દ્રમાં ખાંડ પલળી ગઇ
દૂધસાગર ડેરીના સત્તાધીશોની વધુ એક બેદરકારીએ સંસ્થાના લાખો રૂપિયા વરસાદી પાણીમાં ધોઈ નાંખ્યા
સહકારી ક્ષેત્રના અવકાશમાં ઉદય થયેલા સર્વે સર્વાના નેતૃત્વમાં નુકશાન જ નુકશાન
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણા દૂધસાગર ડેરીના વિહાર શીત કેન્દ્ર એકમમાં પડેલી લાખો રૂપિયાની ખાંડ વરસાદી પાણીમાં પલળી ગયાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડેરીના સત્તાધીશોમાં કારસ્તાન છુપાવવા માટે દોડધામ મચી હતી. અત્રે એ જણાવવું જરૂરી છે કે જિલ્લાના સેંકડો પશુપાલકો રાત દિવસ કાળી મજૂરી કરીને દૂધ ઉત્પાદન થકી આર્થિક રીતે સધ્ધર બનવા મથામણ કરી રહ્યા છે.

એટલું જ નહીં દૂધ મંડળીઓના સહયોગથી મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી જેવી સંસ્થાને પણ આર્થિક રીતે મજબૂત કરવા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સત્તાના મદમાં માતેલા સાંઢની જેમ બેદરકારી જ નહીં પરંતુ ગંભીર બેદરકારી દાખવીને દૂધસાગર ડેરીને આર્થિક રીતે નુકસાનીમાં ધકેલતા શાસકો પશુપાલકોની વ્યથા સમજવા તૈયાર નથી તે પણ સનાતન સત્ય હોવાની બાબત ઉજાગર થઈ છે.
નોંધનીય છે કે જિલ્લામાં ગત દિવસોમાં પડેલા વરસાદમાં દૂધસાગર ડેરી ની માલિકીના સાગરદાણ બનાવવાના કાચા માલનું વરસાદમાં ધોવાણ થઈ ગયું હતું. એ જ રીતે વિહાર ગામમાં આવેલ શીત કેન્દ્ર એકમમાં દૂધની પ્રોડક્ટ બનાવવા માટે મૂકવામાં આવેલી લાખો રૂપિયાની ખાંડ ગોડાઉનની સ્લેબમાંથી ટપકતા વરસાદી પાણીમાં ધોવાઈ જઈને ‘રસ’ બની ગઈ હતી. જે બનાવને અમુક લોકો શાસકો માટે ‘સરસ’ બની ગયું તેની સાથે સરખાવી રહ્યા છે. જે બાબત જેને સમજણ છે તેને ઘણું બધું સમજાવી જાય છે.
એટલે જ વર્તમાન સમયમાં શાસન કરતી ટોળકી સામે પશુપાલકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ પશુપાલકો સંસ્થાને કરવામાં આવતાં વ્યાપક નુકશાન સામે સત્તાધારી ટોળકી પાસે જવાબ માંગી રહ્યા છે પરંતુ ઘો ની ચામડી ધરાવતા ચૂંટાયેલા તમામ ડીરેકટરો હવે પશુપાલકોથી જવાબ ના આપવો પડે એટલે મોંઢુ ફેરવતા હોવાની ચર્ચા ઉઠી છે. જેના પુરાવા ગત સાધારણ સભામાં મૂળ દુધ મંડળના પ્રતિનીધીઓના બદલે તમામ ડિરેકટરો પોતાના સગાં વ્હાલાઓ કે જેમને દૂધ ડેરી કે પશુપાલન સાથે ન્હાવા નિચોવવાનો પણ સબંધ નથી એવા લોકો માત્ર ડીરેકટરોના કહેવાથી મલાઈ ચાટવા ભેગા થયા હતા.
દૂધસાગર ડેરી દ્વારા દૂધમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને આ માટે જિલ્લાના અંદાજે ૨૫ કિલોમીટર દૂર આવેલા વિહાર ગામે આવેલા શીત કેન્દ્ર એકમના ગોડાઉનમાં ખાંડ મૂકવામાં આવી છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ગોડાઉનની દીવાલોમાંથી વરસાદી પાણી ઓરડાઓમાં ઉતરતા કરોડો રૂપિયાની કિંમતની મનાતી ખાંડ ઓગળી ગઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડિયો રમતો રમતો ડેરીના સત્તાધિશોના હાથમાં પહોંચતા તેઓએ પોતાની બેદરકારી છુપાવવા માટે દોડધામ મચાવી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. જાેકે આ અંગે જવાબદારો પાસેથી વાસ્તવિકતા શું છે તે જાણવાનો પ્રયાસ કરતા તેઓ એકબીજાને ‘ખો’ આપતાં પોતાની જવાબદારીમાંથી છૂટતા જાેવા મળ્યા હતા.


