— પાંચોટથી આનંદપુરા રોડ પર રાત્રિના સમયે પસાર થતાં યુવકની આંખમાં મરચાની ભુકી નાખી ત્રણ શખ્સોએ ૨ તોલાની ચેઇન તફડાવી હતી :
ગરવી તાકાત મહેસાણા : પાંચોટ નંદાસણ રોડ પરથી રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પસાર થતાં યુવકની આંખમાં મરચાની ભુકી નાખી તેને ગળામાં પહેરેલ બે તોલાની સોનાની ચેઇન તફડાવી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા જે બાબતે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ગુનોે નોંધાયો હતો જે ગુનાને મહેસાણા એસઓજીએ ગણતરીના કલાકોમાં એસઓજી પોલીસે ઉકેલી ત્રણ શખ્સો પાંચોટ રોડ પરથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તાલુકા પોલીસને સોપ્યા હતા જ્યારે અન્ય એક શખ્સ ફરાર હોઇ તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝનાઓની સૂચના મુજબ પીએસઆઇ એન.પી.પરમાર તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૭૯(ક) ૩, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ સોનાની ચેઇન હાલમાં (૧) ઠાકોર સંજયજી વિષ્ણુજી રહે. લીંચ-તા.જી-મહેસાણા, (૨) ઠાકોર કિશનજી હરચંદજી રહે. લીંચ, (૩) ઠાકોર અલ્પેશજી સુરસંગજી રહે. પાંચોટ તા.જી.મહેસાણા હાલ રહે રામનગર રેલનગરવાળો શખ્સો પાસે હોવાનો પાકો વહેમ હોઇ અને હાલ આ ત્રણેય શખ્સો પાંચોટ સર્કલ પાસે ઉભેલા હોઇ જે બાતમીના આધારે એસઓજી સ્ટાફ તુરંત જ ત્રણેય ઇસમોને પાંચોટ સર્કલથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા
અને ત્રણેય ઇમસોની તલાસી લેતા મોબાઇલ નંગ ૩, કિંમત રૂા. ૧૫ હજાર, તેમજ ચોરી કરેલી સોનાની ચેઇન બાબતે પુછપરછ કરતાં ત્રણેય ઇસમોએ વટાણાં વેરી દીધા હતા અને જણાવ્યું હતું કે, ગત તા. ૨૭-૯-૨૨ના રોજ આ શખ્સો પાંચોટ ખાતે ભેગા થયા હતા અને પાંચોટ ખાતે રહેતા ઠાકોર અલ્પેશ સુરસંગજી તથા ઠાકોર પંકજ વેલાજી કહ્યું હતું કે અમારા ગામનો પ્રજાપતિ સૌરભ રાત્રિના સમયે પાંચોટથી આનંદપુરા રોડ ઉપર પસાર થતો હોઇ અને તે પોતાના ગળામાં સોનાનો દોરો પહેરતો હોઇ જેથી આપણે બધા ભેગા મળી તેની આંખમાં મરચુ નાખી તેના ગળામાં પહેરેલો સોનાનો દોરો કાઢી લેવાનો છે
તેવી વાત કરતાં ઠાકોર કિશનજી હરચંદજી ઇકો કાર નં. જી.જે.૦૮-આર-૪૮૨૫ લઇને આવ્યો હતો અને રાત્રિના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે પ્રજાપતિ સૌરભની આંખમાં મરચુ નાખી તેના ગળામાંથી બે તોલાનો સોનાનો દોરો કિંમત રૂા. એક લાખનો કાઢી લઇ ફરાર થઇ ગયા હતા જે સોનાનો દોરો તથા મોબાઇલ નંગ ૩ મળી કુલ રૂા. ૧.૧૫ લાખનો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યો હતો. અને ત્રણેય ઇસમોને વધુ તપાસ અર્થે મહેસાણામ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. આમ મહેસાણા એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં સોનાના દોરાની ચીલઝડપનો કેસ ઉકેલી નાખ્યોં હતો.