ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં આવેલા દેવીપૂજક વાસ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો અહીં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરના તાળા તોડી અજાણ્યા ચોર શખસો અંદાજે 6 કિલો 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા જેની બજાર કિંમત આશરે 6,50,000 જેટલી આંકવામાં આવી.

આ ઘટનાની વિગત મુજબ મંદિરની પૂજા-સેવા કરતા મુકેશભાઈ માધાભાઈ દેવીપુજક ગતરોજ રાત્રે આરતી બાદ મંદિરને લોક મારીને ઘરે ગયા આજે વહેલી સવારે 5 વાગ્યે જ્યારે તેઓ પૂજા માટે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો મંદિરમાં તપાસ કરતા ગર્ભગૃહમાંથી ચાંદીના 3 મોટા છત્તર (વજન 1 કિલો), 2 ચાંદીના ઘોડા (વજન 500 ગ્રામ),

3 મોટા ચાંદીના નાગ (વજન 3 કિલો) અને 12 નાના ચાંદીના નાગ (વજન 2 કિલો) ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું બનાવ અંગે મુકેશભાઈએ સ્થાનિક રહીશોને જાણ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા આ મામલે મહેસાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.


