મહેસાણા જીલ્લામાં અનેકવાર બંદ મકાનો કે દુકાનો પર તસ્કરો ત્રાટકવાના બનાવો સામે આવતા રહેતા હોય છે. બંધ મકાનને ફાયદો ઉઠાવી તસ્કરો હાથ સાફ કરી ફરાર થઈ જતા હોય છે. આવો એક કડીથી સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયે વેપારીએ પોતાની દુકાન બંધ કરી ઘરે ગયો ત્યારે રાત્રીના સમયે તસ્કરોએ દુકાનનુ તાળુ તોડી માલ-સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મામલાની જાણ થતાં વેપારીએ તુરંત પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મહેસાણા જીલ્લાના કડીના છત્રાલરોડ પર આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતા યુવરાજસીંહ ઝાલા નામનો શખ્સ પોતાની સોસાયટીની બહારની સાઈડ મુરલીધર કીરાણા સ્ટોર ચલાવતા હતા. ગતરોજ તેમને અગીયાર વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી ઘરે ગયા તે રાત્રીના સમયે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવ્યુ હતુ. દુકાનનુ તાળુ તોડી અલગ અલગ કંપનીઓના તેલના ડબ્બાઓ, ઘી, ડ્રાયફ્રુટ, સીગરેટ,ચા જેવો સામાન ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જેની કુલ કિંમત 1.72 લાખ આંકવામાં આવી છે.
સવારે ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈપીસીની કલમ 457, 380 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.