— એક ઝાડ થડીયા સાથે તસ્કરો ચોરી ગયા :
— પચીસ વર્ષ જૂના બે ઝાડ મૂળમાંથી કાપ્યા અને અન્યને અડધા કાપી 30 હજારના લાકડાની ચોરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડાસણ ગામની સીમમાં વાવેલા ચંદનના ઝાડ પૈકી ૧૧ જેટલા ઝાડને અજાણ્યા શખસોએ કાપી નાંખી તેમાંથી રૃ.૩૦ હજારના લાકડાની ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે વસઈ પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ આરંભી હતી.
મહેસાણાથી વિજાપુર રોડ વચ્ચે આવેલા વડાસણ ગામમાં રહેતા ખેડૂત જીલુજી બળદેવજી વિહોલે પોતાના ખેતરના શેઢા ઉપર ચંદનના ઝાડનો ઉછેર કરેલ છે. તે પૈકી રાત્રીના સુમારે અજાણ્યા શખસોએ મોકો જોઈને બે ઝાડને અડધા કટીંગ કરી નાંખ્યા હતા. તેમજ નજીકમાં આવેલ તેમના ભત્રીજા વિજયજી વિહોલના ચંદનના ચાર ઝાડ કટીંગ કરી નાંખ્યા હતા.
જેમાંથી પચીસેક વર્ષ જૂના બે ઝાડ મૂળમાંથી ઉખેડી નાંખી તેમાંથી એક થડીયા સાથે ચોરી કરી ગયા હતા. ઉપરાંત બીજા ભત્રીજા જીતેન્દ્ર કાનાજી વિહોલના ખેતરમાંથી પણ ચંદનના ઝાડ પૈકી પાંચ ઝાડ અડધા કટીંગ કરી દીધા હોવાનું માલુમ પડયું હતું. જેથી આ ઘટના અંગે ખેડૂતે વસઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો હતો.