ગરવી તાકાત સુઈગામ : ગુરુવારે રાત્રે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સરહદી વિસ્તારમાં બ્લેક આઉટ કરાયું. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ, લોકોને સૂચનાનું પાલન કરવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરાઇ.પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા આતંકીઓને સમર્થન કરતા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર કરાયેલ ડ્રોન હુમલા બાદ સમગ્ર દેશમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ થવાની તણાવભરી સ્થિતિ સર્જાઈ છે,ત્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે, દેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો સરહદી વિસ્તારના ગામોના લોકોને અન્ય સ્થળે ખસેડવા તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે,

બનાસકાંઠા જિલ્લાના ભારત પાક.આંતરરાષ્ટ્રીય સરહદ પરના વાવ અને સુઈગામ તાલુકાના ગામોમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, ગુરુવારની રાત્રિના સમયે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સરહદી વિસ્તારના ગામોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું, પોલીસ તંત્ર દ્વારા સ્ટેન્ડ ટુ પોઝિસન રહી સમગ્ર વહીવટી તંત્ર સાથે રહી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ સંદિગ્ધ હલચલ જોવા મળી નથી, તેમ છતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, હજુ સુધી સરહદી વિસ્તારના કોઈ ગામોને ખાલી કરવાની કે કોઈ અન્ય સૂચના અપાઈ નથી, ત્યારે છેવાડાના જલોયા ગામમાં મુલાકાત લેતાં ગ્રામજનોએ યુદ્ધની કોઇપણ પરિસ્થિતિમાં તંત્ર સાથે ઉભા રહેવાની તૈયારી બતાવી છે,
આ અંગે માજી સરપંચ થાનાજી ડોડીયા એ જણાવ્યું કે અમારું ગામ છેવાડાનું છે, ભારત અને પાક. વચ્ચે યુદ્ધ થાય તો આવી પરિસ્થિતિમાં અમે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તેનું પાલન કરીશું.જ્યારે ગામના પૂર્વ સેનાનીના પૌત્ર પીરાભાઈ ઠાકોરે જણાવ્યું કે યુદ્ધની પરિસ્થિતિમાં પણ અમે સેનાને મદદ કરવા તત્પર છીએ, છેવાડાના જલોયા ગામના ગ્રામજનોમાં યુદ્ધની તણાવભરી પરિસ્થિતિના માહોલમાં પણ નિર્ભય જોવા મળ્યા હતા, જ્યારે સરહદી વિસ્તારના લોકોના અસ્થાના કેન્દ્ર સમા નડેશ્વરી માતાજીના મંદિરે શુક્રવારે દર્શનાર્થીઓની સાવ પાંખી અવર જવર જોવા મળી હતી, ટુરિઝમને પણ સુરક્ષાના ભાગરૂપે હાલ બંધ કરવામાં આવ્યું છે, ઝીરો લાઇન તરફના તમામ રસ્તાઓ સાવચેતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે,

તમામ ગતિવિધિઓ પર સેના અને સ્થાનિક પોલીસ સતત વોચ રાખી રહ્યું છે, ટૂંકમાં હાલના સમયમાં સરહદી સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં છુપા ભયને બાદ કરતાં લોકો શુક્રવારે દિવસભર રૂટિન કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા, જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી સ્થાનિક અધિકારીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહ્યા છે, આવા માહોલમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ સરહદી સુઈગામ ખાતે પહોંચી સુઈગામ પ્રાંત કલેક્ટર, મામલતદાર તેમજ અન્ય સંલગ્ન તંત્ર સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, બાદ સરહદી જલોયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી..અહેવાલ..


