ગરવી તાકાત, મહેસાણા તા. 26 – નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના સંસ્થાપક, સ્વતંત્ર સેનાની, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલ ની ૩૮ મી પુણ્યતિથિ ના સ્મરણીય દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૪, ગુરુવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આયોજીત સાતમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ, તબીબી અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ હાજર રહેશે. આ સમારોહ માં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભા સાંસદશ્રી માનનીય મયંકભાઇ નાયક અને વેલ્સ્પન ગૃપના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહેશે અને પદવીદાન સમારોહની શોભામાં અધિવૃદ્ધિ કરશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ ૧૮૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે તેમજ વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રીઓના વરદહસ્તે કુલ ૩૩ સુવર્ણચંદ્રક તથા પદવી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવશે.
પદવીદાન સમારોહના ખાસ દિવસે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્તર ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા પુરુ પાડી શકે અને હદય રોગના દર્દીઓને જડપથી સારવાર મળી રહે તે હેતુથી, ઉપસ્થિત મહેમાનોના હસ્તે નુતન જનરલ હોસ્પિટલ ખાતે “સ્ટેટ ઓફ આર્ટ કાર્ડિયાક કેથ લેબ” નું લોકાર્પણ કરવામાં આવશે. જે પ્રસંગે સ્ટરલિંગ હોસ્પિટલ ના વિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ ડૉ. રસેશ પોથીવાલા અને ડૉ. સુકુમાર મહેતા ઉપસ્થિત રહેશે. વધુમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થિનીઓ માટે અદ્યતન સુવિધાથી સજ્જ “ગર્લ્સ હોસ્ટેલ” નું લોકાર્પણ કરવામાં આવશે.
પદવીદાન સમારોહ ને સફળ અને સાર્થક બનાવવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી અને રજીસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટી પરિવાર કાર્યરત છે. સ્વ. સાંકળચંદભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ વિસનગર શહેરમાં વિવિધ જગ્યાએ પ્રસ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ સવારે ૦૮:૩૦ થી એ.પી.એમ.સી. વિસનગરથી શરૂઆત કરવાનું આયોજન કરેલ છે.