બનાસકાંઠા માલધારી સમાજના નેતા તેમજ કાંકરેજના પુર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને સંસદના ઉપલાગૃહમાં મોકલશે
સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજને રાજયસભામાં પ્રતિનિધિત્વ: યુવા રાજવી કેસરીદેવસિંહજીના નામથી ભાજપે સરપ્રાઈઝ આપી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 12- આગામી તા.24ના રોજ યોજાનારી રાજયસભાની બે બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા છે અને આશ્ચર્ય સર્જતા પક્ષે સૌરાષ્ટ્રમાં વાંકાનેરના રાજવી કેસરીસિંહ ઝાલાને રાજયસભાના ઉમેદવાર બનાવ્યા છે જયારે બીજી બેઠક પર કાંકરેજના પુર્વ ધારાસભ્ય બાબુભાઈ જેસંગભાઈ દેસાઈને ઉમેદવાર બનાવતા તેઓ આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.

જો કોંગ્રેસ પક્ષ પોતે ઉમેદવાર ન ઉભા રાખે તો ભાજપ ત્રણેય બેઠક પર બિનહરીફ વિજેતા થશે. લાંબા સસ્પેન્સ પછી ભાજપે આજે તેના બંને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અગાઉ સોમવારે વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે એક બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી અને હવે આજે ભાજપના બે ઉમેદવારોની જાહેરાત સાથે જ કોંગ્રેસ શું નિર્ણય કરે છે તેના પર નજર છે. રાજયસભા માટે ભાજપમાં અનેક નામો ચર્ચામાં હતા પરંતુ પક્ષના મોવડીમંડળે ફરી એક વખત જે નામો ચર્ચાતા હતા તેના કરતા અલગથી પસંદગી કરીને તેની આશ્ચર્ય સર્જવાની પરંપરા જાળવી રાખી છે.
બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ – માલધારી સમાજમાંથી આવતા બાબુભાઈ દેસાઈ 2007 થી 2012 સુધી કાંકરેજના ધારાસભ્ય રહી ચૂકયા છે અને તેઓ હાલ ગૌ સંવર્ધન સેલ ગુજરાતના ક્ધવીનર છે અને તેઓ મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના મકતુપુરના રહેવાસી છે અને હાલ અમદાવાદ ખાતે રહે છે. એસએસસી સુધી અભ્યાસ કરેલ શ્રી દેસાઈ બનાસકાંઠા જીલ્લામાં પણ સક્રીય છે તેમજ ચોટીલાથી દ્વારકા સુધીના સૌરાષ્ટ્રના ધર્મસ્થાનાનો વિકાસમાં પણ તેઓએ ફાળો આપેલો છે.

કેસરીદેવસિંહજી ઝાલા – વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલાની પસંદગી સાથે ભાજપે સૌથી મોટુ આશ્ચર્ય સર્જયું છે. તેમના પિતા સ્વ.ડો. દિગ્વીજયસિંહજી ઝાલાએ દેશના પ્રથમ પર્યાવરણમંત્રી તરીકે કામ કરી ચૂકયા છે અને મુળ કોંગ્રેસ કુળના કેસરીદેવસિંહજી ઝાલા 2011માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને વાંકાનેર ધારાસભા બેઠક કે જે ભાજપ માટે ટફ ગણાતી હતી તે 2022ની ચુંટણીમાં પક્ષને જીતાડીને તેમણે પોતાની રાજકીય ક્ષમતા સાબીત કરી હતી. તેઓએ ભાજપના સંગઠનમાં પણ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિતના પદો પર કાર્ય કરેલ છે અને યુવા ચહેરા તરીકે તેઓએ વાંકાનેર સહિતના પંથકમાં સારી લોકચાહના મેળવી છે.


