મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં સત્તાધીશ નેતાઓ અને અધિકારીઓની મીલીભગતથી અનેક ગેરકાયદેસર કોમ્પ્લેક્ષો બની ગયા છે. મહેસાણાના ગેરકાયદેસર કોમ્પ્લેક્ષોના કારણે સામાન્ય જનતાને પણ હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પાર્કીંગના અભાવે લોકોને દંડ પણ ભરવાનુ થાય છે. આ ગેરકાનુની કોમ્પ્લેક્ષોને સીલ મારવા સીએમ સુધી અનેક રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ અનઅધિકૃત બાંધકામો અંગે કોઈ પગલાંભરવામાં નહી આવતા, સવાલ ઉઠી રહ્યા છે કે, આ ગેરકાનુની બાંધકામનો ગોરખધંધો કાયદેસર લાગે છે ?
મહેસાણામાં ઠેર ઠેર આવા ગેરકાનુની કોમ્પ્લેક્ષો તાણી બાંધવામાં આવ્યા છે. જેમાં આ લેન્ડ ગ્રેબરો પર નગરપાલીકાની રહેમદ્રષ્ટી હોય તેવુ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. જેમાં સત્તાધારી નેતાઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. શહેરમાં જુના અને હાલમાં બની રહેલ તમામ ગેરકાનુની બાંધકામો વિરૂધ્ધ રજુઆતો થઈ રહી છે તેમ છતાં આ લેન્ડ ગ્રેબરોને તંત્ર સાથ આપી રહ્યુ હોય એમ હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યુ છે. આથી આ બાંધકામોથી જાહેર જનતાને પણ હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાંધકામોમાં પાર્કીગનો અભાવ હોવાથી લોકોને દંડ ભરવાનો પણ વારો આવે છે.
મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલ મીલન હાઉસનુ કોમ્પ્લેક્ષ ગેરકાનુની રીતે ઉભુ કરી દીધુ છે. આ બાબતે રજુઆત કરવામાં આવતાં નગરપાલીકાએ દેખાવ પુરતુ સીલ માર્યુ હતુ પરંતુ કોમ્પ્લેક્ષમાં આવેલ “The Faster” ના શો રૂમમાં સાયકલોનુ ધુમ વેચાણ ચાલી રહ્યુ છે. આ મામલો ગરમાતા પાલીકાએ તુંરત શીલ મારવાનો આદેશ આપ્યો છે.
ધરમ સિનેમાની પાસે આવેલ જોના પાર્ક સોસાયટીનુ કોમ્પ્લેક્ષ વિરૂધ્ધ પણ અનેક ફરીયાદો થઈ છે તેમ છતાં રહેણાક સોસાયટીના પ્લોટમાં કોમર્શીયલ બાંધકામ કરી દેવામાં આવ્યુ છે. આ મામલે પાલીકામાં હોબાળો પણ થયો હતો. જેમાં પાલીકાએ ગોળ-ગોળ જવાબ આપી બાંધકામ વિરૂધ્ધ પગલા ભરવાનુ ટાળ્યુ હતુ.
શહેરના ગેરકાનુની બાંધકામ બાબતે મહેસાણા નગરપાલીકાના એક રાજકીય નેતાએ ટેલીફોની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, પાલીકાના ભ્રષ્ટ અધિકારીઓ તથા સત્તાધારી પાર્ટી પર હુમલો કરતા જણાવ્યુ હતુ કે, મહેસાણાના તમામ ગેરકાનુની બાંધકામ મામલે રજુઆતો થઈ છે પરંતુ પાલીકા કેટલીકવાર માત્ર નોટીસ પાઠવી સંતોષ માની લે છે અથવા કેટલાક કીસ્સમાં તો નોટીસ પાઠવવાનુ પણ યોગ્ય માનતી નથી. ગેરકાનુની બાંધકામનો મામલો એવો છે કે નગરપાલીકાએ કોઈ લેખીત કે મૌખીક ફરિયાદોની રાહ જોયા વગર જાતે જ આવા બાંધકામો શોધી કાઢી કાર્યવાહી હાથ ધરવી જોઈયે. પરંતુ નગરપાલીકાના ભ્રષ્ટ તંત્રનો આ આરોપીઓના માથા પર હાથ હોઈ કોઈ પગલા ભરવામાં નથી આવી રહ્યા. અંતે આવા કેસ કોર્ટમાં જતાં પાલીકા ઉપર કામનુ તથા ખર્ચનુ ભારણ વધી જતુ હોય છે. જેની ચીફ ઓફીસરથી લઈ પાલીકા પ્રમુખ સુધીના લોકોને કોઈ પરવાહ નથી.