SC – ST અનામત કવોટામાં સબ – કેટેગરી ઉભી થઈ શકે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના સાત જજોની ખંડપીઠે 6-1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો
ન્યુ દિલ્હી તા. 01 – જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામતમાં વધારાના વિવાદ વચ્ચે સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને તેમાં જણાવ્યું છે કે એસસી અને એસટી અનામતમાં જાતિ આધારિત અનામત શકય બની શકે છે. અર્થાત અનામત કવોટામાં કવોટા માટેનો માર્ગ મોકળો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના સાત જજોની ખંડપીઠે 6-1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં એમ કહેવાયુ છે કે કવોટામાં કવોટા આપવાનું સમાનતાના અધિકારની વિપરીત નથી. ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ જસ્ટીસ મનોજ મિશ્રા, જસ્ટીસ બેલા એમ.ત્રિવેદી, જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ, જસ્ટીસ પંકજ મિતલ તથા જસ્ટીસ એસ.સી.શર્માની બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો.
તેમાંથી જસ્ટીસ બેલા ત્રિવેદીએ અલગ અભિપ્રાય દર્શાવ્યો હતો. તેમણે પોતાના ચુકાદામાં એમ કહ્યું કે બહુમતીથી વિપરીત મારો અભિપ્રાય છે. ત્રણ જજોની બેન્ચે આ મામલાને મોટી બેન્ચ સમક્ષ મોકલ્યો તે વાતથી હું સહમત નથી. ત્રણ જજોની બેન્ચે કોઈ કારણ વિના સમગ્ર મામલો મોટી બેન્ચને મોકલ્યો હતો. સુપ્રીમ કોર્ટે બહુમતીથી આપેલા ચુકાદામાં એવી વ્યવસ્થા સૂચવી છે કે રાજયો પાસે અનામત માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિમાં પેટા કેટેગરી ઉભી કરવાના અધિકાર છે. કવોટા માટે એસસી એસટીમાં પેટે કેટેગરી રાજયો દ્વારા આંકડા અને વિવિધ માપદંડોના આધાર પર ઘડવામાં આવે તો તે યોગ્ય ગણાવવું જોઈએ.
જસ્ટીસ બી.આર.ગવઈ એ ચુકાદો લખતા કહ્યું કે ઈ.વી.ખિનૈયા તથા આંધ્રપ્રદેશ વચ્ચેના આ કેસમાં ખિનૈયાના ચુકાદામાં અમુક ક્ષતિઓ હતી. બેઠકોની અનામતનો જેમાં ઉલ્લેખ છે તે આર્ટિકલ 341ને સમજવાની જરૂર છે. આર્ટિકલ 341 અને 342 અનામતના મામલામાં કોઈ વ્યવહાર કરતુ નથી. આ સંબંધી ચુકાદો 2004માં પાંચ જજોની બેન્ચે આપ્યો હતો જે આજે સાત જજોની બેન્ચે બહુમતીથી પલ્ટાવી નાંખ્યો છે. 2004ના ચુકાદામાં એસસી અને એસટીમાં સબકેટેગરી ઉભી કરવાના અધિકારને નકારવામાં આવ્યો હતો.
મામલો શું છે?
ખરેખર તો 1975માં પંજાબ સરકારે અનામત સીટોને બે કેટેગરીમાં વિભાજિત કરીને જઈ માટે અનામતની નીતિ રજૂ કરી હતી. એક વાલ્મિકી અને મજહબી શીખો માટે અને બીજી બાકી અનુસૂચિત જાતિ માટે. 30 વર્ષ સુધી આ નિયમ લાગુ રહ્યો. તેના પછી 2006માં આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યો અને ઈવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય મામલે સુપ્રીમકોર્ટના 2004ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ નીતિને રદ કરી દેવામાં આવી. ચુકાદામાં કહ્યું હતું કે એસસી કેટેગરી હેઠળ સબ કેટેગરીની મંજૂરી નથી કેમ કે આ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે.