-> જવાબદાર એન્જિનિયરની ગેરહાજરીમાં કોન્ટ્રાકટર મન ફાવે તેમ કામ કરતો હોવાની રાવ :
ગરવી તાકાત સુઈગામ : સુઈગામ તાલુકાના ગરાબડી ગૃપ ગ્રામ પંચાયતના વાઘપુરા ગામમાં પ્રાથમિક શાળાનું સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બહુમાળી મકાન બની રહ્યું છે, જે સરકારી પ્રાથમિક શાળાનો કોન્ટરેક્ટ લેનાર એજન્સીના સંચાલકો દ્વારા કામમાં વેઠ વાળવામાં આવતી હોવાનો અને કામના સમયે કોઈ જવાબદાર એન્જિનિયર હાજર રહેતા ન હોઈ કોન્ટ્રાકટર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતો હોવાનો આક્ષેપ સરપંચ પતિએ કર્યો છે, તાલુકાના વાઘપુરા ગામની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવામાં આવી રહ્યું છે,

જ્યાં શુક્રવારે ગ્રામ પંચાયતના સરપંચ પતિ વિરજીભાઈ ઠાકોર કામની સ્થળ મુલાકાત માટે ગયા હતા, ત્યાં કામ ચાલુ હતું પણ કોઈ સરકારી કર્મચારી હાજર જોવા મળ્યા ન હતા, આ બાબતે મળેલી માહિતી મુજબ અમે પણ સ્થળ મુલાકાત લેતાં ત્યાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા મનફાવે તેમ કામ કરવામાં આવી રહ્યું હતું, ધાબા કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો,રેતી અને મેન્ટલ વધુ વાપરવામાં આવતી હતી,

જે કામ થયું હતું તેમ સ્પષ્ટ પણે હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો આક્ષેપ સરપંચ પતિ દ્વારા કરવામાં આવ્યો હતો, કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં જવાબદાર SSA ના એન્જિનિયર દ્વારા કામના સ્થળની ઔપચારિક મુલાકાત લેતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે,ત્યારે ઉચ્ચસ્તરેથી જે તે ગામોમાં બનતી નવીન સરકારી પ્રાથમિક શાળાના મકાનોની સ્થળ મુલાકાત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


