આ રાજમહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી 2017 સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો
જિલ્લા અદાલત નવી બિલ્ડીંગમાં ખસેડ્યાં બાદ રાજમહેલની સાફ સફાઇ કે કોઇ દરકાર લેવામાં આવતી નથી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – ગાયકવાડ સરકાર વખતના મહેસાણાની શાન સમા રાજમહેલની હાલત અત્યારે ભંગાર અને ખખડધજ થઇ જવા પામી છે. રાજમહેલમાં તથા આસપાસ કચરાના ઢગ ખડકાઇ ગયા છે. અગાઉ આ રાજમહેલને હેરીટેઝ તરીકે વિકસાવવાની દરખાસ્ત મુકવાની વાતો કરવામાં આવી હતી પરંતુ હેરીટેઝ તો ઠીક રાજમહેલને નિહાળી શકાય તેવી હાલતમાં પણ હાલમાં નથી. મહેસાણામાં આવેલો આ રાજમહેલ બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1904માં નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ રાજમહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી 2017 સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ રાજમહેલમાં અપરાધીઓને સજા ફરમાવવામાં આવતી હતી લોકોના જીંદગીના ફેંસલા આ રાજમહેલમાં કરવામાં આવતાં હતા. રાજમહેલમાં ત્રણ માળ અને કુલ 130 ઓરડા છે. મહેસાણામાં ગાયકવાડ સરકાર વખતમાં નિર્માણ પામેલા આ રાજમહેલને હેરિટેઝ તરીકે જો વિકાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો આ રાજમહેલને નિહાળવામાં આવી શકે છે પરંતુ જિલ્લા અદાલત આ રાજમહેલમાંથી ખસેડ્યાં બાદ બિલકુલ કચરાના ઢગ અને ખખડધજ હાલતમાં આ રાજમહેલ ભાસી રહ્યો છે.
ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને તેઓએ ઉત્તર ગુજરાતમાં તેમના શાસનનો વિસ્તાર કર્યો અને પાટણને તેના વહીવટી મુખ્યમથક તરીકે સ્થાપિત કર્યું. પાછળથી કડીને મુખ્યમથક બનાવવામાં આવ્યું. 1887માં મહેસાણાને ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે દ્વારા જોડવામાં આવતા મુખ્યમથક મહેસાણા ખસેડવામાં આવ્યું હતું.
ફતેહસિંહરાવ ગાયકવાડના વપરાશ ઇરાદે મહેલનું નિર્માણ થયું હતું; પરંતુ ટૂંક સમયમાં ફતેહસિંહ રાવનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહેલને નગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ મહેલને કલેક્ટર કચેરી તરીકે વાપરવા ભાડે લેવામાં આવ્યો હતો. બાદમાં તેનો ઉપયોગ વર્ષ 2017 સુધી જિલ્લા અદાલત તરીકે થતો હતો. આ મહેલ ત્યારથી ઉપયોગમાં નથી તેને ગાયકવાડની હેરિટેજ હોટલ તેમજ સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની તેમની દરખાસ્ત છે.


